આગામી તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬, અખાત્રીજના પવિત્ર અવસરે રાજ્યભરમાં અનેક લગ્નો યોજાનાર છે. આ પ્રસંગે બાળલગ્ન જેવું સામાજિક દૂષણ અટકાવવા અમરેલી જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કડક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જાગૃતિ લાવવા માટે ખાસ હેલ્પલાઇન નંબર (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ જાહેર કરવામાં આવ્યો છે.બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ, દીકરી માટે ૧૮ વર્ષ અને દીકરા માટે ૨૧ વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરાવવા એ ગુનો છે. આ કાયદા હેઠળ ગુનેગારને ૨ વર્ષની સખત કેદ અને ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમૂહલગ્નના આયોજકો, ગોર મહારાજ, રસોઈયા અને મંડપ ડેકોરેટર્સને અપીલ કરવામાં આવી છે કે તેઓ વર-કન્યાની ઉંમરના પુરાવા તપાસ્યા પછી જ વિધિ સંપન્ન કરે. કોઈપણ જાગૃત નાગરિકને બાળલગ્નની જાણ થાય તો તુરંત ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.