(ગયાં અંકથી શરું)
અનુભવી ઉંદરો પોતાની વાત આગળ ચલાવી રહ્યા હતાં.
‘‘તમારી વાત કદાચ! હાસી હશે. પણ, ડ્રગ્સનો ભાવ એક કિલોના એકાદ કરોડ તો હશે જ. આમ ગણો તો
૨૩૩૨ કરોડનો નશો આપણાં ભાઈઓ કરી હકે આ વાત ગળે ઊતરે એવી લાગતી નથી. ’’(માળા ઉંદરો ‘ય એ.આઈ. જનરેટેડ થઈ ગયાં છે. માણસોએ રાખવાનો હિસાબ ઉંદરો રાખવાં માંડ્યા છે.)
‘‘તમે ભલે નો માનો. પણ અગાઉ પણ આ લોકો અધિકારીઓ અને પધાધિકારીઓનાં કહેવા પ્રમાણે આપણે ઘણાં ઘણાં કાંડ કર્યા જ છે.
ગોડાઉનમાં ભરેલી હજારો મણ સીંગ આપણે રફેદફે કરી નાખી હતી. એમાં ધૂળ આપણે જ ભેળવી દીધી હતી. બાલ વાટિકાનાં નાનાં નાનાં ભૂલકાંઓનો નાસ્તો આપણાં નામે હજમ લખાય જાય છે. ઈ વન દારુની બાટલિયુ ‘ય આપણે પી જઈએ છીએ. આવું કાગળ ઉપર સબૂત બોલાવે છે.આ લોકો.’’
‘‘ના હોય ના..!! આપણી પ્રજાતિમાં એવાં એવાં કાંડ કરવાની તેવડ જ નથી. હા , કાપવાની વાત હોય તો આપણે પતરું ‘ય કાપી નાખીએ. કાપવાની વાત આવે એટલે આપણે રાજા. કંઈ પણ કાપી નાખીએ. હારા હારાની ખુરશી ‘ય આપણે કાપી નાખીએ. પણ, આ કાંડ જરાં વધું પડતું લાગે છે.
છતાંય ..,આટલું બધું કર્યા પછી આપણે શું મળ્યું?’’
‘‘લેબલ!! નામનાં!!’’
‘‘શાનું લેબલ??’’
‘‘ઉંદરો નશેડીનું લેબલ !!!’’
‘‘ધીરે બોલ ધીરે. આખી નાતને ખબર પડશે ને તો માણસની જેમ કોઈ છોકરી (ઉંદરડી)નહીં આપે. આજકાલ માણસોની શું હાલત છે, જોયું છે તે કોઈ ‘દિ.’’
‘‘ઈ હંધૂય તો ઠીક.., પણ મને એક વાત નો હમજાણી.’’
‘‘તું જ વાતને ખેંચી લાવ્યો. અને તને જ વાત નો હમજાણી!?? ઈ વળી કઈ વાત?’’
‘‘આ માણસોનાં પેટ તો મોટાં મોટાં હોય છે. હજારો કરોડ હોય તોય સમાય જાય. પણ આપણી નાતનાં ઉંદરોનું પેટ નાનકડું . છતાંય આ ૨૩૩૨ કરોડ હમાણાં ક્યાં?’’
‘‘હવે ઈ ચોખવટ કરવાં તો પેલાં અધિકારીઓ અને પદાધિકારીઓ પાહે જાવું પડે. પણ, તું ય ખરો ખેપાની નીકળ્યો હોં..!!’’
‘‘કેમ કેમ આવું બોલો છો?’’
‘‘તે મૂળ વાત ભુલાવીને મને અવળે પાટે ચડાવી દીધો.
ચૂંટણીનું હું છે? મારે ‘ય ચૂંટણી લડીને ઈ ઢગલાં પાંહે પોગવુ છે.’’
‘‘અમથાલાલ ઉંદરો તો ગમે એમ કરીને ઈ ઢગલો ગોતી લેહે. પણ તમે ‘ય વાતને ઊંધે પાટે ચડાવી દીધી. માંડ માંડ બનેવીલાલને ચૂંટણી લડવાનાં અભરખાં જાગ્યાં છે. અને તમે એની ઉપર ટાઢું ટાઢું પાણી રેડો છો !??’’
‘‘અરે..! બનેવીલાલ ચૂંટણી લડે તો આપણે ફાળો ‘ય આપીશું. શું કહો છો બોસ !!?’’
‘‘હા..હા.! ફાળો આપીશું. પણ પેલાં ટિકિટ તો મળવા દો.’’
‘‘બકા તું શું આપીશ ? તારે ‘ય કાંઈક તો લખાવવુ જ પડશે.’’
‘‘અમારી જેવાં ગરીબ માણસો પાંહે હું હોય? જાજા છોકરાઓ હોય. કહો તો બે ચાર લખાવી દેહું !!
પણ પેલાં ટિકિટ તો મળી જાવા દો. આજકાલ ચૂંટણી લડવાવાળાનો રાફડો ફાટયો છે. હંધાયને સેવા કરવાનાં અભરખાં ઉભરાણાં છે. એટલે બનેવીલાલને ટિકિટ મળવી કાહટી વાળું છે.’’
‘‘ના..ના..ના. આજકાલ બોલે એનાં બોર વેચાય છે. અને બનેવીલાલ બોલવામાં ક્યાંય પાછાં પડે એવાં નથી.’’
‘‘તો તમારી ભૂલ થાય છે, અમથાલાલ. આ આપણી રાજ્યસભામાં ઓલ્યો ભાઈ આપણાં માટે જ બોલતો હતો.હાસી વાત બોલતો હતો. તોય એમનાં બોસે એમની પાંખો કાપી નાખી. હતો ન્હોતો કરી નાખ્યો. અને તમે કહો છો બોલે એનાં બોર વેચાય!!?’’
બેરાલાલ વચ્ચે બોલ્યાં.
‘‘ભાઈ..! રાજકારણમાં તો હવે આ શિષ્ટાચાર થઈ ગયો છે. હું ભલે મરું, પણ તને ‘ય રાંડીરાંડ કરું.’’
‘‘હં..હં..હં..અ. બેરાલાલ ! આવી આકરી ભાષા નાં બોલો. આપણે સામાન્ય માણસો છીએ. આપણે રાજકારણીઓ નથી. તમારે માણસમાંથી રાજકારણી બનવું હોય તો બની શકાય. પણ એક વખત તમે રાજકારણી બની ગયાં એટલે..’’
હવે બોસને વચ્ચે આવવું પડ્યું.
‘‘તમે ઈ હંધૂય જાવા દો. આપણાં બનેવીલાલની ટિકિટ નું કાંઈક વિચારો. ઈ હવારનાં નેતાજીના કપડાં પેરીને આવ્યાં છે. બનેવીલાલ ! ટિકિટ તો મળી જાહે ને.. !!?’’
‘‘એક એક કુટુંબમાંથી પાંચ પાંચ જણાં ટિકિટ માંગે છે. મોવડી મંડળ દરહણ જોઈને (કે ખીસ્સુ જોઈને )ટિકિટ આપશે. ઈ બચાડા પાંહે ટિકિટે ‘ય કેટલી હોય!!?’’
વળી બેરાલાલે ટમકું મૂક્યું.
‘‘મોવડી મંડળ ટિકિટોનો ઢગલો કરી દેતાં હોય તો!! એને ક્યાં હોર્મુઝની ખાડી માથી ટિકિટ પસાર કરવી પડે છે?’’
‘‘બેરાલાલ ! આ પેટ્રોલ કે ગેસ નથી. આ ટિકિટ છે. ટિકિટ.’’
‘‘ભાઈ ! મને ય ખબર છે કે આ ટિકિટ છે. પણ એકવાર આ ટિકિટ મળી જાય પછી હંધાય ને ગેસ નથી ભરાઈ જાતો !! કોઈને જવાબ આપે છે!??
પણ , બનેવીલાલ મને ઈ નથી હમજાતું કે આટલાં બધાં ચૂંટણી લડીને કરશે શું??’’
કેરળમની ચૂંટણીમાં ૩૮ ટકા ઉમેદવારો ઉપર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એવાં સૌ સાથે મળીને ઉંદરોનું નામ વટાવીને, ઉંદરોને નશેડીનું લેબલ લગાવશે. અને અ. પ. સાથે મળીને…kalubhaibhad123@gmail.com











































