સામાન્ય રીતે માણસને જ્ઞાન પુસ્તકાલયોમાં, હિમાલયની કંદરાઓમાં કે પછી સોશિયલ મીડિયાના ‘મોટિવેશનલ’ ક્વોટ્‌સમાં મળતું હોય છે. પણ મારું નસીબ જરા નોખું છે. મને જ્ઞાન આપવા માટે સાક્ષાત્ ‘કાલભૈરવના અવતાર’ સમાન મારા બૂબુ (જેમને હવે હું આદરપૂર્વક સંત બૂબુડાનાથ કહું છું) એ એક અઘોર મધરાતે મને જગાડ્‌યો.
​બહાર કાળી ડિબાંગ રાત હતી, અને બૂબુએ પોતાની પૂંછડીના એક ચોક્કસ લયબધ્ધ હલનચલનથી (જેને સામાન્ય લોકો માત્ર કૂતરું પૂંછડી હલાવે છે એમ સમજે, પણ એ તો બ્રહ્માંડનો સંકેત હતો!) મારી ઊંઘ ઉડાડી દીધી. એની ચમકતી આંખોમાં જાણે યુગોનો ઇતિહાસ છલકાતો હતો. એણે એક ગૂઢ ‘ભૌં… ભૌં…’ કર્યું, જેનો ગુજરાતી અનુવાદ કંઈક આવો હતોઃ ‘એલા નારન, આ દુનિયા જે વાંચે છે અને જે સમજે છે, એમાં જમીન-આસમાનનો ફરક છે. જરા ઓખાહરણના પાના ફેરવ, તને સમજાશે કે આ હરણ કોનું થયું હતું!’
​બસ, એ જ રાત્રે મને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે આપણે હજારો વર્ષોથી એક બહુ મોટી ‘જેન્ડર બાયસ’(જાતિગત પક્ષપાત) વાળી ભૂલ કરતા આવ્યા છીએ. આપણે જેને ‘ઓખાહરણ’ કહીએ છીએ, એ વાસ્તવમાં હિસ્ટ્રીનું સૌથી પહેલું અને સૌથી સોફિસ્ટિકેટેડ ‘અનિરુધ્ધ-કિડનેપિંગ’ હતું! એક સ્ત્રીએ પ્રેમમાં ખાબકીને કરેલું અથવા કરાવેલું પુરુષનું પ્રથમ અપહરણ. અને એ પણ કૃષ્ણ પુત્રનું અપહરણ. જેણે આડેધડ પ્રેમમાં પડી પડીને આડેધડ અપહરણો કર્યા છે અને કરાવ્યા છે એવા કૃષ્ણના પુત્ર અનિરુધ્ધનું અપહરણ!
​પ્રેમની ‘એમેઝોન પ્રાઇમ’ ડિલિવરી!
​જરા કલ્પના તો કરો! બાણાસુરની દીકરી ઓખાને સપનું આવે છે. સપનામાં એક રુપાળો છોકરો દેખાય છે. હવે આજના જમાનામાં કોઈને સપનું આવે તો આપણે સવારે ઊઠીને ‘ડ્રીમ ડિક્શનરી’માં ચેક કરીએ અથવા ઇન્સ્ટાગ્રામ પર ‘ક્રશ’ શોધીએ. પણ ઓખા તો લેવલ-અપ હતી. એણે પોતાની ખાસ સખી અને તે જમાનાની ‘હાઈ-ટેક ગેજેટ’ સમાન ચિત્રલેખાને બોલાવી.
​ચિત્રલેખા એટલે આજનું ‘ગૂગલ લેન્સ’ અને ‘ફોટોશોપ’નું કોમ્બિનેશન! ઓખાએ વર્ણન કર્યું અને ચિત્રલેખાએ સ્કેચ બનાવ્યો. સ્કેચ મેચ થયો દ્વારકાના અનિરુદ્ધ સાથે. હવે અહીંથી આધુનિક એંગલ શરૂ થાય છે. સામાન્ય રીતે હરણ નાયિકાનું થતું હોય છે (જેમ કે સીતાહરણ), પણ અહીં તો ઓખાએ ઓર્ડર આપ્યો અને ચિત્રલેખા ‘દ્વારકા’ નામની દુકાને પહોંચી ગઈ.
​અનિરુદ્ધ બિચારો પોતાના બેડરૂમમાં નિરાંતે ‘સ્લીપ મોડ’માં હતો. એને ખબર પણ નહોતી કે એનું ‘લાઈવ લોકેશન’ ટ્રેક થઈ ગયું છે. ચિત્રલેખાએ કોઈ પરમિશન લીધી? ના. કોઈ ઓટીપી આવ્યો? ના. સીધો પલંગ ઉપાડ્‌યો! આને તમે ‘હરણ’ કહો છો? આ તો પ્યોર કિડનેપિંગ છે, સાહેબ! એ પણ હોમ ડિલિવરી સાથે. અનિરુદ્ધ જ્યારે આંખ ખોલે છે ત્યારે એ દ્વારકામાં નહીં પણ સોણિતપુરમાં ઓખાના બેડરૂમમાં હોય છે. કલ્પના કરો, આજે કોઈ છોકરો સવારે ઉઠે અને પોતાને સીધો સાસરીમાં જુએ તો એના પર શું વીતે?
​પુરુષવાદનો ભોગ બન્યો હતો અનિરુદ્ધ. ​આપણા સમાજમાં પુરુષો સાથે હંમેશા અન્યાય થયો છે. અનિરુદ્ધને કોઈએ પૂછ્યું કે ‘ભાઈ, તારે હરણ થવું છે?’ ના. એ તો બિચારો ‘વિક્ટિમ’ હતો. પણ આખી દુનિયા ગાય છે ‘ઓખાહરણ’. અરે ભાઈ, ઓખા તો પોતાના ઘરે સેફ હતી! એનું હરણ ક્યાં થયું છે? એણે તો હરણ કરાવ્યું છે.
​સંત બૂબુડાનાથે જ્યારે મને આ તર્ક સમજાવ્યો, ત્યારે મને સમજાયું કે ઓખા તો તે જમાનાની સૌથી પાવરફુલ ‘સીઈઓ’ હતી. એણે અનિરુદ્ધને ‘એક્વાયર’ (Acquire) કર્યો હતો. આ તો ‘સ્ટાર્ટઅપ’ જેવું કામ છે. આઈડિયા ઓખાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાણાસુરનું અને એક્ઝિક્યુશન ચિત્રલેખાનું! અને પ્રોડક્ટ? બિચારો અનિરુદ્ધ! આને હરણ ગણાવવું હોય તો પણ તે અનિરુદ્ધ હરણ ગણાવવું પડે, જાનેમન !
​​પછી શરૂ થાય છે અસલી ડ્રામા. બાણાસુરને ખબર પડે છે કે મહેલમાં ‘બિન-અધિકૃત’ વ્યક્તિ ઘૂસી આવી છે. હવે, જો કોઈ છોકરીનું હરણ થયું હોય તો પિતા બચાવવા જાય, પણ અહીં તો પિતા (બાણાસુર) પોતાની દીકરીના મહેલમાં જમાઈને જેલમાં નાખે છે! આ કેટલું વિચિત્ર છે?
​બીજી બાજુ દ્વારકામાં એલાર્મ વાગે છે – ‘અનિરુદ્ધ મિસિંગ!’. કૃષ્ણ ભગવાનને તરત સમજાઈ ગયું હશે કે આ કોઈ ગંભીર કિડનેપિંગનો કેસ છે. એટલે તેઓ સેના લઈને નીકળ્યા. ત્યાં તો શિવજી પણ બાણાસુરના પક્ષે લડવા આવ્યા. ‘હરિ’ અને ‘હર’ સામસામે! શેના માટે? એક એવા છોકરા માટે જે ઊંઘમાં હતો અને જેનું ‘હરણ’ એક છોકરીએ પોતાની ફ્રેન્ડ પાસે કરાવ્યું હતું!
​આને કહેવાય ‘ફેમિલી ડ્રામા’નું અલ્ટીમેટ લેવલ. જો અનિરુદ્ધે મોઢું ખોલ્યું હોત તો એણે ચોક્કસ કહ્યું હોત, ‘પ્રભુ, આ લોકો સાથે લડવાનું બંધ કરો, મને તો ખાલી ઘરે જઈને મારી ઊંઘ પૂરી કરવા દો!’
​બૂબુડાનાથે મારી સામે એક એવી નજર ફેંકી જાણે કહી રહ્યા હોય કે, ‘નારન, આ સંસારમાં જે દેખાય છે
આભાર – નિહારીકા રવિયા તે સત્ય નથી.’ આપણે જેને ‘ઓખાહરણ’ કહીએ છીએ, એ ખરેખર તો એક એવી કથા છે જ્યાં નાયિકા મજબૂત છે, સખી ટેલેન્ટેડ છે અને નાયક… બિચારો ‘પાર્સલ’ છે! આ આધુનિક યુગનો સૌથી મોટો પાઠ છે. સ્ત્રીઓ જ્યારે ધારે ત્યારે ‘સિસ્ટમ’ હેક કરી શકે છે, પછી એ દ્વારકાની સિક્યોરિટી હોય કે અનિરુદ્ધનો પલંગ!
​આથી જ, હવે પછી જ્યારે તમે ‘ઓખાહરણ’ સાંભળો, ત્યારે અનિરુદ્ધ માટે બે મિનિટનું મૌન પાળજો. કારણ કે એ ઇતિહાસનો પ્રથમ એવો પુરુષ હતો જેને ખબર પણ નહોતી કે એ ‘કિડનેપ’ થઈ રહ્યો છે કે એનું ‘હરણ’થઈ રહ્યું છે.
​ધન્યવાદ સંત બૂબુડાનાથ! તમારા કારણે આજે ગુજરાતી સાહિત્યને એક નવો, હસતો-રમતો અને તાર્કિક ‘એંગલ’ મળ્યો છે. હવે હું જઈ રહ્યો છું, કારણ કે બૂબુડાનાથે ફરીથી પૂંછડી હલાવી છે – કદાચ હવે એ મને ‘રામાયણ’ના કોઈ પાત્ર વિશે નવું જ્ઞાન આપવા માંગે છે!
naranbaraiya277@gmail.com