ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામમાં ભારે વરસાદના કારણે રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગત રાત્રે આશરે એક વાગ્યે ગામ નજીક આવેલી રૂપેણ નદીનો પાળો તૂટી જતાં નદીનું પાણી નવા પ્લોટ વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. પાણી ઘરોમાં ફરી વળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ વિભાગ અને એસડીઆરએફની ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી. ગાંગડા પ્રાથમિક શાળા અને બાપાસિતારામ આશ્રમ ખાતે રાહત કેમ્પ ઉભા કરીને આશરે ૨૫૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમાં ૧૧૫ જેટલા લોકોને રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતાં તંત્ર એલર્ટ બન્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.