અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ખોડીયાર ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. આના લીધે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા લીલીયા તાલુકાના બવાડી ગામે આવેલી અરવિંદભાઈની વાડીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વાડીમાં ખેતીકામ કરતા જીતેન્દ્રસિંહ અને તેમનો પરિવાર પૂરના પાણી વધતા મુશ્કેલીમાં મુકાયા હતા. જોતજોતામાં ખેતરમાં સાતથી આઠ ફૂટ જેટલા પાણી ફરી વળતા, પરિવારે જીવ બચાવવા માટે ત્યાં આવેલી ઓરડીની અગાસી પર આશરો લેવો પડ્‌યો હતો. અગાસી પર ફસાયેલા આ આઠ લોકોમાં બે પુરુષ, બે સ્ત્રી અને ચાર બાળકો જેમા એક તો સવા માસના બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર, ટીડીઓ સહિતનું વહીવટી તંત્ર ફસાયેલા લોકોને બચાવવા માટે ઘટનાસ્થળે દોડી ગયું હતું. જો કે, રાત્રિનું અંધારું અને નદીમાં પૂરનો પ્રવાહ ભારે હોવાના કારણે રાત દરમિયાન આ પરિવારનું રેસ્ક્યૂ કરી શકાયું ન હતું.