અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને તરવડા ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી અક્ષય ઘનશ્યામભાઈ ડાવરાએ પોતાની અથાગ મહેનત, લગન અને જ્ઞાનના બળે દેશની અગ્રણી સ્ટેમ સેલ વિજ્ઞાન અને પુનર્જીવન ચિકિત્સા સંશોધન સંસ્થા (ઇનસ્ટેમ), બેંગલુરુમાં પીએચ.ડી. અભ્યાસ માટે પ્રવેશ મેળવી ગાધકડા ગામ, અમરેલી જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અક્ષય હાલમાં કેન્સર જેવા જીવલેણ રોગ અંગે વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યો છે. કેન્સર કેવી રીતે થાય છે, તેને કેવી રીતે અટકાવી શકાય અને ભવિષ્યમાં દર્દીઓને વધુ સારી સારવાર મળી રહે તે દિશામાં તેમનું સંશોધન ચાલી રહ્યું છે. દેશના આરોગ્ય ક્ષેત્ર માટે આ પ્રકારનું સંશોધન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અક્ષયની જ્ઞાનયાત્રાની શરૂઆત તરવડા ગુરુકુલથી થઈ હતી. અહીં તેમણે ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કહે છે કે ગુરુકુલમાં મળેલા સંસ્કાર, શિસ્ત અને શિક્ષણ જ તેમની સફળતાનો સાચો પાયો છે. તેઓ પૂજ્ય રામકૃષ્ણદાસ સ્વામી, પૂજ્ય વ્રજ સ્વામી, તરવડા ગુરુકુલના નિયામક પૂજ્ય કૃષ્ણપ્રિયદાસ સ્વામી તથા પૂજ્ય ગુરુમહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનને પોતાની સફળતાનું સૌથી મોટું બળ આ ખેડૂત પુત્ર માને છે.
ત્યારબાદ તેમણે શ્રી રામકૃષ્ણ સંસ્થા ખાતે સૂક્ષ્મ જીવવિજ્ઞાન વિષયમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે દેશભરની વિવિધ પ્રવેશ પરીક્ષાઓમાં સફળતા મેળવી તેમણે કર્ણાટક રાજ્યની નિટ્ટે યુનિવર્સિટીમાં સમુદ્રી જીવવિજ્ઞાન અને જૈવ પ્રૌદ્યોગિકી વિષયમાં અનુસ્નાતક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસ માટે ભારત સરકારના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.
આગળ વધતાં અક્ષયે દેશની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય લાયકાત પરીક્ષાઓમાં પણ ઉત્તમ દેખાવ કર્યો. તેમણે વૈજ્ઞાનિક લાયકાત પરીક્ષામાં સમગ્ર ભારતમાં ૧૨૮મો ક્રમ અને ઇજનેરી તથા વિજ્ઞાન ક્ષેત્રની રાષ્ટ્રીય પરીક્ષામાં ૯૨૦મો ક્રમ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી. ત્યારબાદ દેશની અગ્રણી સંશોધન સંસ્થાઓમાંથી પસંદગી મળતા અંતે તેમને બેંગલુરુની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થામાં પીએચ.ડી. અભ્યાસ માટે સ્થાન મળ્યું.
આ સંસ્થા ભારત સરકારના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત છે. અહીં સ્ટેમ સેલ વિજ્ઞાન, કોષોનું પુનર્નિર્માણ, જનીનમાં સુધારા, આધુનિક ચિકિત્સા સંશોધન અને ગંભીર રોગોની સારવાર અંગે વિશ્વસ્તરીય સંશોધન કરવામાં આવે છે. દેશ-વિદેશના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અહીં સંશોધન કાર્ય સાથે જોડાયેલા છે.
અક્ષય પોતાની આ સફળતાનો શ્રેય પોતાના ખેડુત માતા-પિતા શ્રી ઘનશ્યામભાઈ ડાવરા અને શ્રીમતી ગીતાબેન ડાવરાને આપે છે. તેઓ કહે છે કે માતા-પિતાના ત્યાગ, મહેનત, સંસ્કાર અને આશીર્વાદ વગર આ સફર ક્યારેય શક્ય બની ન હોત. તેઓ પોતાના નાના ભાઈ જેમિશ ડાવરાનો પણ ખાસ આભાર માને છે, જેમણે પરિવારની જવાબદારી સંભાળી અક્ષયને અભ્યાસમાં આગળ વધવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો.
અક્ષય કહે છે કે આ સિધ્ધિ માત્ર તેમના પરિવારની નહીં, પરંતુ ગાધકડા ગામ, તરવડા ગુરુકુલ અને સમગ્ર ગ્રામ્ય ખેડુત સમાજની છે. ગામડામાંથી પણ મોટા સપના જોઈ શકાય અને મહેનત તથા સાચા માર્ગદર્શનથી દેશની સર્વોચ્ચ સંસ્થાઓ સુધી પહોંચી શકાય છે, તેનો તેઓ જીવંત દાખલો છે.
ગામડાના અનેક યુવાનો અને ખેડૂતોના સંતાનો માટે અક્ષય ડાવરાની સફળતા નવી આશા અને નવી પ્રેરણા બની છે. ખેતરથી લઈને પ્રયોગશાળા સુધીની તેમની સફર એ બતાવે છે કે પરિસ્થિતિ નહીં, પરંતુ માણસનો પુરુષાર્થ જ તેની ઓળખ બનાવે છે. ભવિષ્યમાં ગાધકડાનું નામ વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં ગૌરવપૂર્વક લેવાશેછે, જે સમગ્ર પંથક માટે ગર્વની વાત છે.અક્ષય ડાવરાનો સંપર્ક નં.૯૦૮૧૧ ૨૫૧૩૦
Home ઝાકળ એક બિંદુ ગાધકડા ગામના ખેડૂતનો દીકરો વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે વધારશે ગામ અને ગુજરાતનું ગૌરવ















































