ગુજરાતની આ પવિત્ર ધરતી ઉપર ઘણા મહાન માણસો થયા, પણ ગામડાના ગરીબ ખેડૂતને પોતાના પગ ઉપર ઉભો કર કરનાર અને દૂધને ધંધો નહીં પણ આંદોલન બનાવનાર માણસનું નામ આવે તો સૌથી પહેલા ત્રિભુવનદાસ પટેલ યાદ આવે. આજે આખું વિશ્વ “અમૂલ” ને ઓળખે છે, પણ એની પાછળ એક ખેડૂતપ્રેમી, સાદા જીવન જીવતા અને ગામડાની વેદના સમજતા મહાન માણસની મહેનત છુપાયેલી છે. પરંતુ આજના ખેડૂતો અને પશુપાલકો જેમની પાયામાં મહેનત છે એ વ્યક્તિને ભૂલી ગયા છે આજે માત્ર સ્વાર્થી અને દેખાડાના રાજનેતાઓના શરણે ખેડૂતો અને પશુપાલકો પડતા જાય છે એના હિસાબે સૌથી વધારે દુઃખી ખેડૂતો અને પશુપાલકો છે દુઃખનું કારણ ખેડૂતો પોતે જ છે કારણ કે સાચા દિલથી ખેડૂતો પશુપાલકો અને ગામડા માટે મહેનત કરનાર સમાજસેવકોને માન સન્માન અને મોટા કરવામાં ખેડૂતો અને પશુપાલકો ક્યાંક જ્ઞાતિ જાતિ અને પક્ષા પક્ષીમાં પડીને ખેડૂતો અને પશુપાલકોના હિતનું વિચારનાર બહુ થોડા લોકોને આગળ લાવવામાં ખેડૂતો અને પશુપાલકો નિષ્ફળ રહ્યા છે એના હિસાબે આજે વેરવિખેર અને દુઃખી છે.
ત્રિભુવનદાસ પટેલનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૦૩ના રોજ આણદ ખાતે થયો હતો. એ સમય એવો હતો જ્યારે ગામડાનો ખેડૂત મહેનત બહુ કરતો, પણ કમાણી બીજાના હાથમાં જતી. દૂધ ઉત્પાદક ખેડૂતોની હાલત તો ખૂબ ખરાબ હતી. ખેડૂત ગાય-ભેંસ રાખે, વહેલી સવારે ઊઠીને દૂધ ભરે, પણ દૂધના ભાવ વેપારીઓ નક્કી કરે. ખેડૂતને પરસેવાનો પુરો ભાવ મળતો નહોતો.
આ અન્યાય સામે ત્રિભુવનદાસ પટેલ ઊભા રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમણે ખેડૂતને એક વાત સમજાવી – “એકલો ખેડૂત લડી નહીં શકે, પણ બધા ભેગા થઈએ તો દુનિયા બદલી શકીએ.” બસ, આ વિચારથી ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની શરૂઆત થઈ. આ જ સંસ્થા આગળ જઈને “અમૂલ” બની.
ત્રિભુવનદાસ પટેલ માત્ર નેતા નહોતા, એ તો ગામડાના માણસના દુખ સમજનારા સાચ્ચા સેવક હતા. તેઓ ખેડૂત વચ્ચે બેસતા, એની વાત સાંભળતા અને એના હિત માટે લડતા. તેઓ કહેતા કે “ખેડૂત પોતાનો માલ પોતે વેચે, પોતાના ભાવે વેચે અને નફો પણ ખેડૂતના ઘરે જવો જોઈએ.” જે આત્મનિર્ભર ભારતની વાત થાય છે, એની સાચી શરૂઆત તો સહકારથી ઘણા વર્ષો પહેલા થઈ ગઈ હતી. આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આત્મ નિર્ભર ભારતની પહેલ વોકલ ફોર લોકલ થી કરાવીને અનેક લોકોને આત્મ નિર્ભર બનાવવામાં સફળ રહ્યા છે
ત્રિભુવનદાસ પટેલની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમને માણસ ઓળખવાની કળા આવડતી. ડા. વર્ગીસ કુરિયન જેવા યુવાનને આગળ લાવી તેમણે ટેક્નોલોજી અને સહકારને જોડ્‌યા. પરિણામ એવું આવ્યું કે ગુજરાતનું નાનું આંદોલન આખા દેશની “શ્વેત ક્રાંતિ” બની ગયું. આજે ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ છે તો એની પાછળ ત્રિભુવનદાસ પટેલ જેવી મહાન વ્યક્તિઓની મહેનત અને દ્રષ્ટિ છે.
ત્રિભુવનદાસ પટેલનું જીવન ખૂબ સાદું હતું. કોઈ દેખાવ નહીં, કોઈ અહંકાર નહીં. એમના માટે ખેડૂત જ ભગવાન હતો. સહકારી સંસ્થા એમના માટે રાજકારણ કરવાનો રસ્તો નહોતો, પણ ગામડાના માણસને સન્માન અને આર્થિક તાકાત આપવાનો માર્ગ હતો. આજે પરિસ્થિતિઓ બદલાય છે. સહકારી સંસ્થાઓ ખેડૂતો અને ગામડાઓના હિત માટે નહીં પરંતુ રાજકીય અખાડો બની ગઈ છે જ્યારે ખેડૂતો અને પશુપાલકો લાચાર અને બિચારા બની ગયા હોય એવું દ્રશ્ય જોઈ શકાય છે જે સહકારી નેતાઓ પાસે બાડી બકરી કે ગાય ભેંસો નથી એવો આજે સહકારી સંસ્થાઓનો વહીવટ કરે છે. ખેડૂતો અને પશુપાલકોને પોતાનો અને સ્વ વ્યવસાય કરતો માણસ મોટો કરવામાં નિષ્ફળ રહ્યા હોય એવું લાગે છે કારણ કે લોકોને પોતાનો નેતા શૂટ બુટ ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભા અને મોંઘી દાટ મોટી મોટી ગાડી માં આવે એજ ગમે છે તો પછી એમની પાસે આ બધું ક્યાંથી આવે છે એનો ક્યારેય વિચાર કર્યો નથી અને ખેડૂતો અને પશુપાલકોના નામે જે નેતા બની ગયા છે એના જેવું સરસ જીવન આપણે પશુપાલકો અને ખેડૂતો જીવી શકતા કેમ નથી એ વિચાર ખેડૂતો અને પશુપાલકોએ કરવો પડશે
આજે પણ જ્યારે અમૂલનો દૂધના પેકેટ કોઈના ઘેર પહોંચે છે ત્યારે એની પાછળ લાખો ખેડૂતો અને પશુપાલકો ની મહેનત સાથે ત્રિભુવનદાસ પટેલના આશીર્વાદ પણ જોડાયેલો છે. એમણે બતાવ્યું કે ગામડાનો માણસ જો સંગઠિત થાય તો શહેરના મોટા વેપારીઓ સામે પણ ટકી શકે.
ભારત સરકારે એમના યોગદાનને માન આપી “પદ્મભૂષણ” અને “રેમોન મેગ્સેસે એવોર્ડ”થી સન્માનિત કર્યા હતા. પરંતુ સાચું સન્માન તો ગામડાના ખેડૂતોના દિલમાં મળેલું સ્થાન હતું.૩ જૂન ૧૯૯૪ના રોજ તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા, પણ આજે પણ ગુજરાતના ગામડામાં સહકારની વાત થાય ત્યારે ત્રિભુવનદાસ પટેલનું નામ
ગૌરવથી લેવામાં આવે છે.
આજના યુવાનો, ખેડૂત આગેવાનો અને સહકારી કાર્યકરો માટે તેમનું જીવન એક પ્રેરણા છે. ગામડું મજબૂત કરવું હોય, ખેડૂતને સમૃધ્ધ બનાવવો હોય અને સહકારને સાચા અર્થમાં જીવંત રાખવો હોય તો ત્રિભુવનદાસ પટેલના રસ્તે ચાલવું જ પડશે. ત્રણ જૂનના રોજ ત્રિભુવનદાસ પટેલની પુણ્યતિથિ છે એટલે જ મને યાદ આવ્યું કે જે સમાજ કે સંગઠન પોતાનો ભૂતકાળ કે ઇતિહાસ ભુલે છે. તેમનો કાળક્રમે વિનાશ કે વિસર્જન થતું હોય છે નવી પેઢી એ આવા ખમીરવંતા ખેડૂત નેતાઓને યાદ રાખવા પડશે એમણે કરેલા પરિશ્રમને યાદ કરવો પડશે તો જ ખેડૂતો અને પશુપાલકો ના હિત માટે કોઈ કામ કરશે બાકી તો ખેડૂતો અને પશુપાલકોના નામ ઉપર કાળોકારોબાર ચાલશે.. ઇતિહાસના પાના ઉપરથી નાનકડો પ્રસંગ આપ સૌ વાચકો સમક્ષ મૂક્યો છે આશા રાખું છું કે ત્રણ જૂન ના રોજ શ્રધ્ધા સુમન ખેડૂતો અર્પણ કરશે.
OO તિખારોOO
ખામી અને ખૂબી બધામાં હોય છે. કોઈના જીવનમાં રહેલી ખામીઓનો દુર ઉપયોગ
કરીને આગળ વધવા કરતા તેની ખામીઓ સુધારીને સાથે લઈને આગળ વધી શકાય. વ્યક્તિમાં રહેલી આવડત અને ખુબીઓ સાથે મળીને સદ ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળે છે. દ્રષ્ટિવાન બનવાને બદલે દ્રષ્ટિવિહીન બનવામાં લોકોને વધુ રસ હોય છે