બગસરાના જેતપુર રોડ પર નાયરા પંપની બાજુમાં રહેતા અને વેપાર કરતા મેહુલભાઇ જયંતિભાઇ વાધેલા (ઉ.વ.૪૧) સાથે રૂ.૧,૩૧,૦૦૦/- ની છેતરપિંડી થઈ છે. આરોપી અનિલભાઇ રાઠોડ ઉર્ફે પ્રણવભાઇ સોનીએ બગસરા અને અમરેલીમાં બ્રાન્ડેડ કપડાં તથા બૂટ-ચપ્પલનો શો-રૂમ બનાવવો છે તેમ કહી બાબુભાઇ સતાસીયાની દુકાન ભાડે રાખ્યાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ મેહુલભાઇ પાસેથી પ્લાયવૂડના ૪૦ પાટીયા, ૫૦ કિલો ફેવિકોલ, શટર લોક, કલરના ડબ્બા વગેરે મેળવી પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આ ઉપરાંત આરોપીએ હિરાણી હાર્ડવેરમાંથી રૂ.૩૬,૧૦૦/- નો કલર, ગોપી ઇલેક્ટ્રિકમાંથી રૂ.૧,૬૦,૬૬૦/- નો વાયર-પંખાનો સામાન તથા વૃંદાવન ઇલેક્ટ્રિકમાંથી રૂ.૭૪,૦૦૦/- નું AC અને LED TV ઉધાર મેળવ્યું હતું. બગસરાના ચારેય વેપારીઓ પાસેથી કુલ રૂ.૪,૦૧,૭૬૦/- ની વસ્તુઓ મેળવી નાણાં ન આપી છેતરપિંડી આચરી છે. ઘટના અંગે બગસરા પોલીસ સ્ટેશનના એચ.જી.મારૂ પો.સબ ઇન્સ. તપાસ ચલાવી રહ્યા છે.









































