ગુજરાત અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કેટલાક એવા મહાન લોકનેતાઓ થયા હોય છે. જેમણે માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સમાજના પાયામાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. એવા લોકનેતાઓમાં શ્રી ઉચ્છંગરાય નાવલશંકર ઢેબર (ઢેબરભાઈ)નું નામ મહત્વ નું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેમણે ખેડૂતો, ગરીબો અને ખેત મજૂરોના જીવનમાં નવી આશાનો સૂર્યોદય કર્યો હતો. ખાસ કરીને ખેત મજૂરો અને ગણોતિયાઓને જમીનના માલિકી હક્ક અપાવી તેમને ખેડૂત ખાતેદાર બનાવવાનું કાર્ય તેમની સૌથી મોટી અને ઐતિહાસિક સિધ્ધિ માનવામાં આવે છે.
સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રના અનેક રજવાડાંઓનું એકીકરણ કરીને નવા રાજ્યની રચના થઈ. તે સમયે ખેતીની સ્થિતિ આજની જેમ સરળ નહોતી. હજારો ખેડૂતો વર્ષો સુધી જમીન ખેડતા હતા, પરંતુ જમીનના માલિક નહોતા. તેઓ ગણોતિયા કે ખેત મજૂર તરીકે ઓળખાતા હતા. મહેનત તેમની હતી, પાક તેઓ ઉગાડતા હતા, પરંતુ માલિકીનો હક બીજાના નામે હતો. આવી વ્યવસ્થાને દૂર કરવા ઢેબરભાઈએ ગણોતધારા અને જમીન સુધારાના કાયદાઓ અમલમાં મૂક્યા.
આ કાયદાઓના પરિણામે જે ખેડૂતો જમીન ખેડતા હતા તેને જ જમીનનો માલિક બનાવવામાં આવ્યા. હજારો ખેત મજૂરો અને ગણોતિયાઓ પ્રથમ વખત પોતાની જમીનના ખાતેદાર બન્યા. આ માત્ર કાયદાકીય ફેરફાર નહોતો, પરંતુ ગામડાંઓમાં સામાજિક અને આર્થિક ક્રાંતિ હતી. ખેડૂતોના જીવનમાં સ્વાભિમાન, આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના જન્મી. પરંતુ આજે, જ્યારે આપણે ઢેબરભાઈના યોગદાનને યાદ કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન પણ થાય છે કે જે જમીન મેળવવા માટે આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યો, તે જમીનને સાચવવા માટે આપણે કેટલા જાગૃત છીએ?
એક સમય એવો હતો જ્યારે ખેતી માટે ટ્રેક્ટર, રોટાવેટર, સ્પ્રેયર કે આધુનિક યંત્રો નહોતા. આપણા બાપદાદા વહેલી સવારે ઊઠીને બળદને જોતરતા, હળ હાંકતા અને આખો દિવસ ખેતરમાં પરસેવો પાડતા. કોદાળી વડે બોરડી, ધરો અને કાંટા-ઝાંખરા કાઢીને ખેતરોને ઉપજાઉ બનાવતા. કૂવાઓ ખોદતા, પાળા બાંધતા અને વરસો સુધી મહેનત કરીને જમીનને સોના જેવી ઉપજાવ બનાવતા. આવા મહેનત કશ વડીલો ઈશ્વરના દરબારમાં જતા રહ્યા, પરંતુ સંતાનોને સાતબાર અને ૮-અમાં વારસદાર બનાવી ગયા. માત્ર જમીન નહીં, પરંતુ મહેનત, સંસ્કાર અને સમૃધ્ધિનો વારસો સોંપી ગયા.
આજે ઘણા ખેડૂત પરિવારોના સંતાનો શિક્ષણ, નોકરી અને વ્યવસાય માટે શહેરોમાં સ્થાયી થયા છે. બદલાતા સમય સાથે જીવનશૈલી બદલાઈ છે, પરંતુ ઘણી જગ્યાએ ખેતી અને જમીન પ્રત્યેનું જોડાણ પણ ઓછું થતું જાય છે. કેટલાક લોકો આર્થિક મુશ્કેલીઓ કે અન્ય કારણોસર પૂર્વજોની જમીન વેચી રહ્યા છે. આ બાબત ચિંતાજનક છે. કારણ કે મોટાભાગના ખેડૂતો પાસે રહેલી જમીન કોઈ બજારમાંથી ખરીદેલી સંપત્તિ નથી. તે બાપદાદાની કાળી મજૂરી, પરસેવો અને ત્યાગનું પરિણામ છે. એ જમીનમાંથી ઉપજ લેવાનો અધિકાર તો આપણને છે, પરંતુ તેને સાચવીને આગામી પેઢીને આપવાની જવાબદારી પણ એટલી જ મોટી છે. ખેડૂત માટે જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેની ઓળખ, આબરૂ અને ભવિષ્યની સુરક્ષા છે.
ગામડાની એક જૂની કહેવત છે – ‘ખેતર વેચાય નહીં, ખેતર તો વધારાય’ જમીન એકવાર વેચાઈ જાય પછી પાછી મેળવવી મુશ્કેલ બને છે. પરંતુ જમીન જળવાઈ રહે તો તે પેઢીઓ સુધી પરિવારનું ભરણપોષણ કરી શકે છે. ઘરની મિલકત, વાહન કે દાગીના ફરી ખરીદી શકાય, પરંતુ પૂર્વજો એ આપેલી ધરતીનો વારસો ગુમાવી દેવો એ ઘણી વખત નુકસાન સાબિત થાય છે.
ઢેબરભાઈએ ખેત મજૂરોને ખાતેદાર બનાવીને જે સ્વપ્ન જોયું હશે તે માત્ર જમીનના કાગળો બદલવાનું નહોતું. તેઓ ઇચ્છતા હતા કે ખેડૂત પોતાના પગ પર ઊભો રહે, પોતાની ધરતીનો ગૌરવ અનુભવે અને આવનારી પેઢીઓને પણ આ વારસો જાળવી રાખે.
આજે તેમના કાર્યને સાચી શ્રધ્ધાંજલિ એ જ હશે કે આપણે પૂર્વજોની મહેનતથી મળેલી જમીનનું જતન કરીએ, ખેતી સાથેનો સંબંધ જાળવીએ અને આવનારી પેઢીને પણ જમીનનું મહત્વ સમજાવીએ.
‘જે ખેડે તે જમીનનો માલિક’ – આ વિચારને સાકાર કરનાર ઢેબરભાઈએ ખેત મજૂરોને માત્ર જમીનનો હક આપ્યો નહોતો, પરંતુ સ્વાભિમાનનું જીવન આપ્યું હતું. હવે એ સ્વાભિમાન અને એ ધરતીને સાચવવાની જવાબદારી ખેડૂતો અને ખેડૂતોના સંતાનોની છે. બાપદાદાના પરસેવાના ટીપાંથી સિંચાયેલી આ ધરતી જ આપણા પરિવાર અને સમાજનું સાચું ભવિષ્ય છે.ખેડુત એટલે કોઈ એક જ્ઞાતી નહીં ખેતી સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિના લોકોએ ખેતીનું મહત્વ જાળવી રાખવુ જોઈએ.














































