અમરેલી જિલ્લામાંથી પસાર થતા જેતલસર-ઢસા બ્રોડગેજ ટ્રેક પર નવી ટ્રેનો શરૂ કરવા લાંબા સમયથી વચનો અપાયા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રેલવે વિભાગના એક સાચા પત્ર અનુસાર, સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન હવે ધોળકા, બોટાદ, ઢસા અને જૂનાગઢ થઈને દોડશે. આ નિર્ણયથી વિસ્તારને નવી ટ્રેન તો મળી, પરંતુ પત્ર મુજબ અમરેલી જિલ્લાના એકપણ સ્ટેશન પર આ ટ્રેનનો સ્ટોપ આપવામાં આવ્યો નથી, જેથી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આ રૂટ પર લાઠી, ચિતલ અને કુંકાવાવ જેવા મોટા સ્ટેશનો આવેલા છે. ખાસ કરીને વડિયા એક મહત્વનું તાલુકા મથક છે અને તે કુંકાવાવ, ભેસાણ, જેતપુર તથા ગોંડલના લોકો માટે મધ્ય સેન્ટરમાં પડે છે. જો વડિયા સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મંજૂર કરવામાં આવે, તો આ સમગ્ર વિસ્તારના લોકોને અમદાવાદ અને સોમનાથ જવા-આવવા માટે લાંબા અંતરની ઝડપી રેલવે સેવાનો મોટો લાભ મળી શકે તેમ છે.








































