વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામની પ્રાથમિક શાળા અને બાલમંદિર પરિસરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની શંકાના આધારે ગ્રામજનોએ જનતા રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર ચાર શખ્સોએ ગ્રામજનો પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો અને પોતાની બાઇક, ચપ્પલ, સિગારેટ તેમજ ચલમ સહિતની સામગ્રી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ શખ્સો શાળા પરિસરમાં ગાંજાનું સેવન કરતા હતા. આ ઘટના અંગે તાત્કાલિક જાણ કરવા છતાં પોલીસ અંદાજે બે કલાક મોડી પહોંચી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મીડિયા પ્રતિનિધિઓ આવ્યા બાદ પણ કોઈ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે ન આવતા રોષ ફેલાયો હતો. આખરે પોલીસે આવીને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.