લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા કમી (કેરાળા) ખાતે આવેલા ‘માનવ સ્મૃતિ આશ્રમ’ની મુલાકાત લેવામાં આવી હતી. આ નિવાસી શાળામાં મંદબુદ્ધિ બાળકોને વિશિષ્ટ શિક્ષણ તેમજ સ્પીચ થેરાપી આપીને સામાન્ય બાળક બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે, જેમાં સંસ્થાને મોટી સફળતા મળી છે. મુલાકાત દરમિયાન બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ ક્લબના સિનિયર સભ્ય રાજુભાઈ પરીખના માતૃશ્રી સ્વ. રમાબેન વસંતભાઈ પરીખની સ્મૃતિમાં શાળાને ચેક દ્વારા આર્થિક અનુદાન અર્પણ કરાયું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ બકુલરાય ભટ્ટ, સેક્રેટરી રજનીકાંત ધોરાજીયા, ખજાનચી નંદલાલ તળાવિયા, દિનેશભાઈ ભુવા, જયસુખભાઈ ઢોલરીયા સહિતના સભ્યો તેમજ આશ્રમના કર્મચારી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.