અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા વાહકજન્ય રોગ નિયંત્રણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારની સૂચના અનુસાર જૂન માસને ‘મેલેરિયા વિરોધી માસ’ અને જુલાઈ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવા માટે આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગ, વિવિધ સરકારી કચેરીઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસા દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ રોકવા, પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા, સ્વચ્છતા જાળવવા અને જનજાગૃતિ વધારવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સંકલન સાથે સમયબધ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી.