સમગ્ર દેશના વિકાસમાં શિક્ષણ અને આરોગ્ય પાયાની બાબતો છે. ગ્રામીણ સ્તરે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા નેશનલ હેલ્થ મિશન કાર્યરત છે, પરંતુ અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૫થી સીએચઓ (CHO)ની આશરે ૨૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. વડિયા કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામની મુલાકાત દરમિયાન, સરપંચ વિપુલભાઈ ખીમાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડને રજૂઆત કરી હતી કે આગામી ચોમાસામાં ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની આશંકા છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને, પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને અમરેલી જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા લેખિત માંગણી કરી છે.