સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ગેરકાયદેસર બાંધકામ અને વેપારીને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. વિજપડી મુકામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાન ધરાવતા અને પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી દાદુભાઈ પીરભાઈ બેલીમે પી.આઈ. સાવરકુંડલા સમક્ષ આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી મુકેશભાઈ જેઠાભાઈ શિંગાળા દ્વારા ગ્રામ પંચાયતની માલિકીની જમીન પર કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ૧૩ દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સાવરકુંડલા કોર્ટમાં દાવો પણ પેન્ડિંગ છે. ફરિયાદીનો આરોપ છે કે આરોપી પોતાની દાદાગીરી અને બળજબરીથી દુકાન ખાલી કરાવવા માટે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.પી. અને ડી.વાય.એસ.પી.નકલ રવાના કરવામાં આવી છે.







































