સોમવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં ૭.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ત્યારબાદ, દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓમાં હતું. ભૂકંપને કારણે વીજળી ખોરવાઈ ગઈ છે, અને લોકોને ઉંચી જમીન પર જવા માટે વિનંતી કરવામાં આવી છે. જાકે, નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ ટાપુ પર જનરલ સેન્ટોસ સિટીથી ૧૩ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૭ઃ૩૭ વાગ્યે આવ્યો હતો.
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે ૩ મીટર ઊંચા સુનામી મોજા ફિલિપાઇન્સના કેટલાક દરિયાકાંઠે અથડાઈ શકે છે. ૧ મીટર ઊંચા મોજા ઇન્ડોનેશિયા અને મલેશિયાના કેટલાક દરિયાકાંઠે અથડાઈ શકે છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટના વડા ટેરેસિટો બાકોલકોલે દરિયાકાંઠાના રહેવાસીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, “અમે લોકોને ઉંચી જમીન પર જવા અથવા વધુ અંદર જવાની સલાહ આપીએ છીએ.” નાના સુનામી મોજા તાઇવાન, જાપાન, ગુઆમ, પાપુઆ ન્યુ ગિની અને પશ્ચિમ પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ દેશો અને પ્રદેશોમાં અથડાઈ શકે છે.
ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને ઉત્તર માલુકુ પ્રાંતના રહેવાસીઓએ ભૂકંપનો અનુભવ કર્યો. ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાંનો એક છે. આ દેશ વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળવાનો ભોગ બને છે. તે પેસિફિક મહાસાગરની આસપાસ આવેલા ભૂકંપીય ફોલ્ટ્‌સના રિંગ પર આવેલું છે, જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વીપસમૂહ દર વર્ષે આશરે ૨૦ ટાયફૂન અને ઉષ્ણકટિબંધીય તોફાનોનો ભોગ બને છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે ૫:૦૭ થી ૬:૨૫ વાગ્યાની વચ્ચે ત્રણ શક્તિશાળી ભૂકંપ અનુભવાયા હતા. પહેલો ભૂકંપ, જેની તીવ્રતા ૭.૭ હતી, તે સવારે ૫:૦૭ વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૯૩ કિલોમીટર નીચે હતું. બીજા ભૂકંપ સવારે ૫:૧૮ વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્રબિંદુ ૭૯ કિલોમીટર ઊંડે હતું. ત્રીજા ભૂકંપ, સવારે ૬:૨૫ વાગ્યે આવ્યો હતો, જે રિક્ટર સ્કેલ પર ૬.૬ માપવામાં આવ્યો હતો અને પૃથ્વીની સપાટીથી ૭૬ કિલોમીટર નીચે કેન્દ્રિત હતો.