યુપી પોલીસે ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં કાર્યરત નેટવ‹કગ છેતરપિંડી રેકેટમાંથી ૪૫૩ નેપાળી નાગરિકોને બચાવ્યા. આ કામગીરી નેપાળી અધિકારીઓ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી હતી. ભારતમાં નેપાળી દૂતાવાસે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર, યુપી પોલીસ અને કામગીરીમાં સામેલ અન્ય એજન્સીઓનો આભાર માન્યો છે.

નેપાળ સાથે જોડાયેલા ભારતના સરહદી જિલ્લા કુશીનગરમાં નેપાળી નાગરિકો સામે શોષણ અને છેતરપિંડીના અહેવાલો મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. યુપી પોલીસે કુશીનગર જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ બચાવ કામગીરી ઉત્તર પ્રદેશ પોલીસ, ભારત સરકારની સંબંધિત એજન્સીઓ અને એક એનજીઓ,કેઆઇએન ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.

દિલ્હી સ્થિત નેપાળી દૂતાવાસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા આકર્ષક નોકરીની ઓફર આપીને ભારતીય સરહદી વિસ્તારમાં નેપાળી નાગરિકોનું શોષણ થઈ રહ્યું છે. આ છેતરપિંડી વિશે માહિતી મળતાં, નેપાળી દૂતાવાસે, ઉત્તર પ્રદેશ પોલીસ, ભારત સરકારની સંબંધિત એજન્સીઓ અને એનજીઓ કેઆઇએન ઇન્ડિયા સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી.

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલા પોલીસ ઓપરેશન દરમિયાન, છેતરપિંડીનો ભોગ બનેલા કુલ ૪૫૩ નેપાળી નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં ૧૧૫ મહિલાઓ અને ૩૩૮ પુરુષોનો સમાવેશ થાય છે. તેમને નેપાળના રૂપાંડેહી જિલ્લા પોલીસ કાર્યાલયને સોંપવામાં આવ્યા હતા. આ છેતરપિંડીના સંબંધમાં રૂપાંડેહી પોલીસે છ મહિલાઓ સહિત ૧૯ શંકાસ્પદોની અટકાયત કરી છે. તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

નેપાળી દૂતાવાસે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર, ઉત્તર પ્રદેશ પોલીસ, નેપાળ પોલીસ, કિન ઇન્ડિયા અને આ બચાવ કામગીરીમાં મદદ કરનાર તમામ એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો છે.નેપાળી દૂતાવાસે જણાવ્યું હતું કે નેપાળ સરકાર અને ભારતમાં નેપાળી દૂતાવાસે ભારતમાં નેપાળી નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેણે નેપાળી નાગરિકોને વિદેશમાં નોકરીના નામે કરવામાં આવતી ઓફરો અને અન્ય લાલચથી સાવધ રહેવાની સલાહ આપી છે.