સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર સરકાર દ્વારા કરોડોના ખર્ચે નવા સીસી રોડનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. જોકે, કેટલાક વેપારીઓ અને સ્થાનિકોએ પોતાના અંગત હિત અને વાહનોની અવરજવર માટે રોડની બંને બાજુના સીસી રોડના પાળા (ક્યોરિંગ બેરિયર) તોડી નાખ્યા હોવાના આક્ષેપો થયા છે. નિષ્ણાતોના મતે, રોડની મજબૂતાઈ માટે આ પાળામાં પાણી ભરી રાખવું અનિવાર્ય છે, પણ પાળા તૂટવાથી રોડના ટકાવ અને ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક નાગરિકો અને આગેવાનોમાં ભારે રોષ છે. તેમણે જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની તેમજ કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવાની માંગ કરી છે. આ સાથે જાહેર સંપત્તિના નુકસાન અંગે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંબંધિત વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું છે.










































