ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક દીવ તરફ જતા વ્યસ્ત હાઈવે પર કેસરિયા પ્રાથમિક શાળા આવેલી છે. આ માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી નાના બાળકોને જીવના જોખમે રોડ ક્રોસ કરવો પડે છે. અકસ્માત નિવારવા માટે ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ જાતે જ માનવ સાંકળ રચીને અન્ય બાળકોને રસ્તો ઓળંગાવે છે. આ ગંભીર સમસ્યા અંગે જનહિત લોકસેવા ફાઉન્ડેશન અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર પોકળ આશ્વાસનો જ મળ્યા છે. ૨૬ મેના રોજ આંદોલન કરવા છતાં ૧૭ દિવસ પછી પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનો અને આગેવાનોએ આગામી ૪ દિવસમાં સ્પીડ બ્રેકર નહીં મુકાય તો પ્રાંત કચેરી પર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ NHAI ના અધિકારીએ ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.










































