સુરત સુમુલ ડેરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તેના સંદર્ભમાં ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. સુમુલ ડેરીમાં ૧૫ જુલાઈએ મતદાન યોજાશે. ૧૭મી જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. તેના પગલે ૧૦ જૂનથી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ચાર જુલાઈ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ૧૬ મતદાર વિભાગોમાં મતદાન યોજાશે. સુમુલ ડેરીમાં બોર્ડની મુદત પૂરી થઈ ગઈ છે અને હાલમાં વહીવટી વિવાદોના કારણે કસ્ટોડિયન કાર્યરત છે. છેલ્લે તેના ચેરમેન પદે માનસિહ પટેલ હતા.
આ અગાઉ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓમાંની એક, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ,સતત વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. બે જૂથો વચ્ચેની આંતરિક લડાઈઓ અને વહીવટી અનિયમિતતાઓના આરોપોને કારણે રાજ્યના સહકાર વિભાગે મહત્વનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.ગુજરાત સમાચાર
સુમુલ ડેરીના ૭૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, તમામ ડિરેક્ટરોને દૂર કરીને જાઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સુમુલના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી.
સુમુલ ડેરી, જે દૈનિક આશરે ૧૪ લાખ લિટર દૂધની આવક ધરાવે છે, તે સુરત અને તાપી જિલ્લાના હજારો ખેડૂતો અને પશુપાલકોની આજીવિકાનો આધારસ્તંભ છે. જાકે, તાજેતરના વર્ષોમાં ડેરીમાં નાણાકીય ગેરરીતિઓ, દૂધની ખરીદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અને વહીવટી નિર્ણયોમાં અનિયમિતતાઓના આરોપો ઉઠ્યા છે. આ વિવાદોના કારણે ડેરીની પ્રતિષ્ઠા અને સહકારી ક્ષેત્રની વિશ્વસનીયતા પર અસર થઈ છે. ખાસ કરીને, બે જૂથો વચ્ચેની લડાઈએ સંસ્થાના સંચાલનને ખોરવી નાખ્યું છે, જેના પરિણામે રાજ્ય સરકારે આ કડક પગલું ભરવું પડ્યું.
સુમુલ ડેરીના બોર્ડની મુદત, જે ૨૦૨૦થી ૨૦૨૫ સુધીની હતી, ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ. નવા બોર્ડની ચૂંટણી માટેની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને મોકલવામાં વિલંબ થયો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકી પડી હતી. આ સ્થિતિમાં, રાજ્યના સહકાર વિભાગે સુમુલના સંચાલનને સ્થિર કરવા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે કસ્ટોડિયનની નિમણૂકનો નિર્ણય લીધો. આ નિર્ણયને આગામી ચૂંટણીઓને લઈને મહત્વનો ગણવામાં આવે છે, જે ડેરીના ભાવિ વહીવટને આકાર આપશે.