જાફરાબાદ તાલુકાના કોળી કંથારીયા ગામ નજીક સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને વન વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ૭ જૂન, ૨૦૨૬ના રોજ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ રેન્જના નાગેશ્રી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. વન વિભાગને માહિતી મળી હતી કે ખારા મેદાન વિસ્તારમાં કેટલાક લોકો સસલાને પકડવા માટે જાળ ગોઠવી શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન હરેશ બાબુ ચૌહાણ, સવજી બાબુ ચૌહાણ અને કૈલાસગીરી ભિખુગીરી ગોસ્વામી નામના ત્રણ આરોપીઓ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓને કુલ રૂ. ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમ ભર્યા બાદ તેમને જાતમુચરકામાં મુક્ત કરવામાં આવ્યા હતા.