અમરેલી તાલુકાના મોટા આંકડીયાના ગ્રામજનોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે. રજૂઆતમાં જણાવેલ છે કે, મોટા આંકડીયા સમસ્ત ગ્રામજનો તથા તળાવ ઉત્થાન સમિતિ દ્વારા ઐતિહાસીક ગાયકવાડી તળાવને ઉંડા ઉતરાવવાનું કાર્ય પૂરજાશમાં ચાલી રહ્યુ છે. પરંતુ આ કામ દરમ્યાન નરેશ વાળા નામનો ઈસમ અને રામજી ચૌહાણ દ્વારા સરકારી મંજૂરી હોવા છતા ખોટી ફરિયાદો કરી જેસીબી અને ટ્રેકટર જેવા વાહનો અને સાધનોને અટકાવી ગ્રામજનોને ધમકાવી કામ બંધ રાખવાના પ્રયાસો કર્યા હતા. નરેશ વાળા અને રામજી ચૌહાણ દ્વારા આ ગુનાહિત માનસિકવૃતિ અને વિકાસ વિરોધી માનસિકતાને કારણે ગામના જળસંચયના ભગીરથ કાર્યને નુકસાન થતુ હોવાની ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નરેશ વાળા અધિકારી સામે ખોટા વિડીયો બનાવી દાદાગીરી કરતા હોય અને સોશ્યલ મિડિયમના માધ્યમથી અધિકારીઓ ધમકાવી પૈસા પડાવાના અનેક ફરિયાદો અમરેલીના પોલીસ ચોપડે નોંધાયેલી છે. તેથી આવા ઈસમો સામે કડક કલમ લગાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
નિરાકરણ નહી આવે તો રાજય સ્તરે આંદોલન કરાશે ઃ ખેડૂત હિત રક્ષક સમિતિ
ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગ કરી છે કે તળાવ સંબંધિત ખોટી અને ભ્રામક ફરિયાદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેમજ ગામોની શાંતિ, એકતા અને સુલેહમાં વિક્ષેપ ઉભો કરનાર તત્વો સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો આ મુદ્દે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્ય સ્તરે આંદોલન ચલાવવામાં આવશે અને જરૂર પડશે તો ગાંધીનગર સુધી રજૂઆતો તથા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. આવેદનપત્ર આપતી વેળાએ મોટી સંખ્યામાં ખેડૂતો, સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મામલે હવે જિલ્લા તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.








































