અમરેલી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા બાબરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ-રજીસ્ટ્રાર નનુભાઈ મામૈયાભાઈ ગમારાને રૂ. ૪,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદીના મિત્રની દીકરીનો જન્મનો દાખલો કાઢી આપવા માટે આરોપીએ શરૂઆતમાં રૂ. ૫,૦૦૦ની માંગણી કરી હતી, જે રકઝકના અંતે રૂ. ૪,૦૦૦ નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે અમરેલી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ની ટીમે બાબરા બાયપાસ પાસે આવેલી ઠાકરઘણી હોટલ ખાતે છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા જ સ્થળ પર દબોચી લીધા હતા. આ કામગીરી ઇન્ચાર્જ પી.આઇ. ટી.એસ. રિઝવી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારીઓ વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.







































