અમરેલી જિલ્લાના વડિયામાં નવનિયુક્ત મામલતદાર યોગેશ બારડની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડિયાની મુખ્ય બજારમાંથી માતેલા સાંઢની જેમ પસાર થતા બે ઓવરલોડેડ ડમ્પરોને મામલતદારે જાતે રોક્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસે રોયલ્ટી પાસ ન હોવાનું અને વાહનો ઓવરલોડેડ હોવાનું ખૂલ્યું હતું.આ કાર્યવાહીમાં સિલિકોન રેતી ભરેલા ડમ્પર સહિત રૂ. ૩૫,૧૭,૧૦૦ અને સ્ટોન રેતી ભરેલા બીજા ડમ્પર સહિત રૂ. ૯,૫૬,૧૧૦ મળીને કુલ રૂ. ૪૪,૭૩,૨૧૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ જથ્થો હાલ પોલીસને સોંપીને આગળની દંડનીય કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને લેખિત જાણ કરવામાં આવી છે. મામલતદારની આ સપાટાબંધીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ છે.









































