અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામના વિકાસ કામોમાં મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ થઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત તકેદારી આયોગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નિકુલકુમાર રમેશભાઈ માંડણકાએ વર્ષ ૨૦૦૨ થી ૨૦૨૫ સુધીના પૂર્વ સરપંચો, વર્તમાન સરપંચ અને વહીવટદારના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની ઉચ્ચસ્તરીય વિજિલન્સ તપાસની માંગ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ, ખાસ કરીને વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૧ દરમિયાન વોટરશેડ યોજના, ગૌચર ભૂમિમાં તળાવો, નાળા અને બંધારાના નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. આ તમામ કામોનું ટેકનિકલ ઓડિટ અને સ્થળ તપાસ કરવી અનિવાર્ય છે. ભૂતકાળના પૂર્વ શાસકો વર્તમાન સમયમાં થઈ રહેલા નિયમાનુસાર વિકાસ કાર્યોને રોકવા માટે તંત્રને ખોટી અને આધારવિહોણી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ પધ્ધતિસરના ષડયંત્રના કારણે સરકારી સમય વેડફાય છે અને ગામની શાંતિ ડહોળાઈ રહી છે. આ મામલે સ્પેશિયલ ઈન્ક્વાયરી ટીમ નિયુક્ત કરી ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરવામાં આવે તેવી ઉગ્ર અપીલ સાથે વિકાસ કમિશનર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.










































