યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ‘રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ’ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે ધોરણ-૬ ની દીકરીઓ માટે સંસ્કારમય પ્રવેશોત્સવ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી યજ્ઞ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં નવી દીકરીઓનું તિલક અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાવન વાતાવરણમાં દીકરીઓ અને વાલીઓએ યજ્ઞમાં આહુતિ આપી શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પો કર્યા હતા. કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર ધામના શિલ્પી પ.પૂ. સંતશ્રી ડા. રતિદાદા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીકરીઓને જીવનમાં ઉચ્ચ આદર્શો, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી, તેમજ વાલીઓને દીકરીઓના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ તકે ભારતભૂષણ મહેશભાઈએ જણાવ્યું કે, આ શાળામાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી દીકરીઓને આદર્શ નાગરિક બનાવવામાં આવે છે. નવા શૈક્ષણિક વર્ષને લઈ દીકરીઓમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકમંડળ અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી નવી દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.