અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલી હત્યાની ઘટનામાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી આબીદખાન અયુબખાન પઠાણને પોતાના પિતરાઈ ભાઈ અફજલ ઉર્ફે અલમાસ પઠાણની હત્યા બદલ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે ફરિયાદી પક્ષના નજરે જાનાર સાક્ષીઓ, મેડિકલ પુરાવા અને ફોરેન્સિક અહેવાલોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
૨૭ મે ૨૦૨૨ના રોજ ગોમતીપુરના રાજપુર વિસ્તારમાં ઘટના બની હતી. મૃતક અફજલ ઉર્ફે અલમાસ રોજની જેમ કામ પરથી ઘરે પરત ફર્યો હતો. સાંજે પરિવારજનોને ઘરની બહારથી બૂમાબૂમનો અવાજ સંભળાતા તેઓ બહાર દોડી આવ્યા હતા. ત્યારે આરોપી આબીદ અને અફજલ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી ચાલી રહી હતી. આરોપી આબીદને શંકા હતી કે તેની પત્ની સાથે અફજલના આડાસંબંધ છે. આ મુદ્દે બંને વચ્ચે અગાઉ પણ મતભેદો થતા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ બોલાચાલી દરમિયાન આબીદે અફજલનું ગળું પકડી પોતાની પાસે રહેલી નાની તલવાર વડે તેના પેટમાં એક જારદાર ઘા ઝીંકી દીધો હતો. ઘા વાગતા અફજલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. પરિવારજનોએ તરત જ તેને શારદાબેન હોસ્પીટલ ખસેડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર કેસમાં મૃતકની બહેન નાહીદાબાનુએ ફરિયાદ નોંધાવી હતી. ટ્રાયલ દરમિયાન તેણે કોર્ટ સમક્ષ ઘટનાની વિગતવાર હકીકત રજૂ કરી હતી. મૃતકની માતા, બહેન અને અન્ય નજરે જાનાર સાક્ષીઓએ પણ આરોપી સામેની હકીકતોને સમર્થન આપ્યું હતું. તમામે એકસુરે જણાવ્યું હતું કે આરોપીએ પોતાની પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકામાં અફજલ પર હુમલો કર્યો હતો.
કેસ દરમિયાન પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના પેટમાં તીક્ષ્ણ હથિયારથી થયેલો ઘા જીવલેણ હતો. ઘાના કારણે ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને તે જ મોતનું કારણ બન્યું હતું. ડોક્ટરે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આવી ઈજા આરોપી પાસેથી મળી આવેલી તલવારથી થઈ શકે છે.
સરકારી વકીલ બી.એસ. પટેલે કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યું હતું કે ફરિયાદી અને નજરે જાનાર સાક્ષીઓની જુબાની એકબીજાને સમર્થન આપે છે. હત્યામાં વપરાયેલી તલવાર આરોપીએ ડિસ્કવરી પંચનામા દરમિયાન શોધી બતાવી હતી. ફોરેન્સિક તપાસમાં તે તલવાર પર માનવ લોહીના અંશ પણ મળી આવ્યા હતા. તેથી આરોપી સામેના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ મજબૂત હોવાનું તેમણે કોર્ટને જણાવ્યું હતું.
બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદી અને મોટાભાગના સાક્ષીઓ મૃતકના પરિવારજનો હોવાથી તેમનો પુરાવો વિશ્વાસપાત્ર ગણાવી શકાય નહીં. મિલકત સંબંધિત જૂના વિવાદોના કારણે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પણ બચાવ પક્ષે દાવો કર્યો હતો. જાકે કોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર સાક્ષીઓ પરિવારના સભ્યો છે એટલા માટે તેમની જુબાનીને નકારી શકાય નહીં. જ્યારે તેમની જુબાની મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓ સાથે સુસંગત હોય ત્યારે તેને વિશ્વસનીય માનવી જાઈએ. કોર્ટે માન્યું કે આરોપીએ શંકાના આધારે ઉશ્કેરાટમાં આવીને ઇરાદાપૂર્વક તલવારનો ઘા મારી અફજલની હત્યા કરી હતી.આ તમામ પુરાવાઓના આધારે કોર્ટે આબીદખાન અયુબખાન પઠાણને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદ તથા દંડની સજા ફટકારી છે. આ સાથે ગોમતીપુરના ચાર વર્ષ જૂના ચર્ચિત હત્યા કેસનો કાયદાકીય અંત આવ્યો છે.










































