રાજુલા-ઊના રોડ પર ચારનાળા નજીક મોરી ગ્રુપ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં દાઢિયાળી ગામના પચાસ વર્ષીય હિંમતભાઈ ગોવાભાઈ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ નાગેશ્રી ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયા અને પાયલોટ બાલુભાઈ ગોહિલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ઘાયલ દર્દીને પ્રાથમિક સારવાર આપી રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવારની સાથે આ ટીમે ઉમદા પ્રામાણિકતા દાખવી દર્દી પાસે રહેલા અંદાજે રૂ. ૭૬,૫૦૦ની રોકડ, કિંમતી મોબાઈલ ફોન અને મહત્વના દસ્તાવેજો જેવા કે એ.ટી.એમ., ક્રેડિટ, આધાર અને પાનકાર્ડ સુરક્ષિત રાખ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખાતે દર્દીના સગા અનકભાઈને આ તમામ સામાન સહીસલામત સોંપી દીધો હતો.










































