બગસરા પાલિકા ભાજપે કબજા કર્યા બાદ સદસ્યોમાં ‘બાવો એક ને વેશ ઝાઝા’જેવો ઘાટ સર્જાયો છે. જેમાં જીનપરા નજીક અમરેલી રોડ પર આવેલા વોકળામાં પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય કરાવવાને બદલે સદસ્યોએ ફોટો સેશન કરાવી ચાલતી પકડતા વોકળાની યોગ્ય સફાઈ થઈ ન હોવાથી સદસ્યોની કામગીરી સામે પૂર્વ સદસ્ય અરવિંદભાઈ નળીયાધરાએ રોષ વ્યકત કર્યો છે. બગસરા પાલિકામાં પ્રિ-મોન્સુનની કામગીરી માટે જેસીબી દ્વારા સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જેથી જીનપરા પાસે અમરેલી રોડ પર જયાં શહેરનું પાણી એકત્ર થાય છે ત્યાં સફાઈ કરવાની કામગીરી થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. સફાઈ કામગીરી શરૂ કરતી વખતે સદસ્યોએ ફોટો સેશન કર્યુ હતુ પરંતુ યોગ્ય સફાઈ કરવામાં આવી નહોતી જેથી પૂર્વ પાલિકા ભાજપ સદસ્ય અરવિંદભાઈ નળીયાધરાએ રોષ સાથે જણાવ્યું હતું કે, સદસ્યોને માત્ર ફોટા પડાવવામાં જ રસ છે. વોકળાની યોગ્ય સફાઈ કરવામાં ન આવતા ચોમાસામાં વરસાદના પાણી ઘરમાં આવે તેવી શક્યતા છે. સદસ્યોએ ફોટો સેશન બંધ કરી યોગ્ય કાર્યવાહી કરવી જાઈએ. પ્રિ-મોન્સુનની કામગીરી માટે જેસીબીના કેટલા કલાક નક્કી થયા છે અને અહીં કેટલી કલાકની કામગીરી કરવામાં આવી છે તેની પણ તપાસ કરવાની તાતી જરૂરીયાત હોવાનું અંતમાં અરવિંદભાઈ નળીયાધરાએ જણાવ્યું હતુ.