જાફરાબાદ શહેરમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરવાનો અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો હતો. પરિણીતા પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે એક શખ્સે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતાં ચકચાર મચી ગઈ હતી.પરિણીતાએ હનીફભાઈ રફીકભાઈ સૈયદ (ઉ.વ. ૪૨) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પરિણીતા રાત્રિના સમયે પોતાના ઘરના રૂમમાં સૂતી હતી. તે દરમિયાન રાત્રિના આશરે સવા બે વાગ્યાના સુમારે આરોપીએ બદઇરાદા સાથે પરિણીતાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. રૂમમાં પહોંચી આરોપીએ પરિણીતાની આબરૂ લેવાના ઈરાદા સાથે તેનો હાથ પકડી લીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિણીતાએ હિંમત દાખવી તુરંત જ રાડારાડ કરી મૂકી હતી. પરિણીતાની બૂમો સાંભળીને બાજુમાં જ સૂતેલા સાક્ષીઓ અચાનક જાગી ગયા હતા, જેથી ઉશ્કેરાયેલા આરોપીએ પરિણીતાને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી તેમજ શરીરે આડેધડ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.