દામનગરમાં અંદાજે રૂ. ૯૦ લાખનાં ખર્ચે તૈયાર કરાયેલ એસ.ટી. બસ સ્ટેશનથી મુસાફર વર્ગમાં ખુશી છે. પરંતુ દામનગરને લાંબા અંતરની એસ.ટી. બસ ફાળવવા મુસાફરો માગણી કરી રહ્યા છે. અગાઉ સારી આવક ધરાવતા રૂટ હતા તેને કોઈને કોઈ બહાના બતાવી બંધ કરી દીધા છે. દામનગર તાલુકા કક્ષાનું શહેર હોવાથી લાંબા અંતરની બસ સેવા ન મળવાથી મુસાફરો આર્થિક નુકસાન થતું હોય છે. અહીંથી સુરત તરફનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવા છતાં દિવસમાં માત્ર એક જ બસનો લાભ મળે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, કોડીનાર, મેઘરજ, મહેસાણા, મોઢેરા, પાટણ, દીવ, ગાંધીનગર વગેરે શહેરોમાં જવા માટે એક પણ બસ ન હોવાથી પ્રવાસીઓને ના છુટકે ખાનગી વાહનોમાં અથવા બસ બદલાવીને જવું પડે છે. આથી તેમનો સમય બગડે છે અને આર્થિક બોજ પણ વધી જાય છે.








































