આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જાફરાબાદ વિધાનસભા વિસ્તારના પક્ષના આગેવાનો અને કાર્યકરોની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન કાર્યકરોએ યુવાનોની બેરોજગારી, સરકારી ભરતીમાં વિલંબ, એસ.ટી. કંડક્ટર ઉમેદવારોની સમસ્યાઓ, નીટ (દ્ગઈઈ્‌) સહિતની પરીક્ષાઓમાં પેપર લીક અને સ્થાનિક રોજગારીના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતોને ખાતર-બિયારણની તકલીફો, પાકના પોષણક્ષમ ભાવ, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ-ગેસના વધતા ભાવો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. દુધાતે કાર્યકરોને ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચવા અપીલ કરી હતી. આ પ્રસંગે દાનુભાઈ ખુમાણ, દકુભાઈ બુટાણી, ટીકુભાઈ વરૂ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જનહિતના પ્રશ્નો માટે અસરકારક લડત ચલાવવાનો સંકલ્પ કર્યો હતો.