ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. નાયબ મુખ્યમંત્રી પહેલેથી જ દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે મુખ્યમંત્રી પણ ટૂંક સમયમાં રાજધાની પહોંચે તેવી શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન યોજાનારી વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં ગુજરાત સરકાર સક્રિય ભાગ લેશે.
દિલ્હી પ્રવાસને કારણે મુખ્યમંત્રીની જનસંપર્ક અને જનપ્રતિનિધિઓ સાથેની કેટલીક નિર્ધારિત મુલાકાતો સ્થગિત કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય કેબિનેટની નિર્ધારિત બેઠક પણ હાલ મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે આ પ્રવાસને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિશેષ કાર્યક્રમોમાં પણ ગુજરાતના પ્રતિનિધિમંડળની હાજરી રહેવાની સંભાવના છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ વિકાસલક્ષી, વહીવટી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ, રોકાણ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ટેકનોલોજી આધારિત સુશાસન અંગેની યોજનાઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત રાજ્યના કેટલાક ચર્ચાસ્પદ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ મજબૂત બનાવવાના મુદ્દા તેમજ સુરતના ચર્ચિત ડિમોલિશન પ્રકરણ જેવા વિષયો પણ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ઉચ્ચસ્તરીય ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સંકલન, ગુનાખોરી સામે અસરકારક કાર્યવાહી અને રાજ્યની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અંગે વિચારણા થઈ શકે છે.
રાજકીય નિરીક્ષકોના મતે દિલ્હીમાં યોજાનારી આ બેઠકો ગુજરાત માટે આગામી સમયના વિકાસ, સુરક્ષા અને વહીવટી નિર્ણયો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.