બગસરા-માણેકવાડા રોડ ઉપર ફોર વ્હીલની ટક્કરથી મરણના પ્રસંગમાંથી પરત ફરતા એક ખેડૂતનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે વિસાવદરના હાજાણી પીપળીયા ગામના ભોજુભાઈ ભીખુભાઈ વાળાએ ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મૃતક જેતુભાઈ ભીખુભાઈ વાળા (ઉ.વ. ૪૫, ધંધોઃ ખેતી, રહે. હાજાણી પીપળીયા, તા. વિસાવદર, જી. જૂનાગઢ) પોતાના મોટરસાયકલ પર ધારીના માણાવાવ ખાતે મરણના પ્રસંગમાંથી ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન બગસરાથી માણેકવાડા રોડ ઉપર નવી હળિયાદના રસ્તા પાસે પહોંચતા જ, પાછળથી આવેલી એક ફોર વ્હીલના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે તેમને માથાના તેમજ ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ અને શરીરે નાની-મોટી ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આલકુભાઈ નજુભાઈ વાળા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.