રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી આપનારું અમરેલી હવે દાયકાઓ બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય તેમ લાગે છે. રાજ્યમાં અમરેલી સહિત ૬ નવા સ્થળોએ કાર્ગો પોર્ટ વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૨૮ વર્ષ બાદ ગ્રીનફીલ્ડ પોટ્‌ર્સ માટે નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડેએ બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર માડેલ હેઠળ આ પ્રસ્તાવિત બંદરોનો વિકાસ, સંચાલન અને નિભાવ કરવા માટે ખાનગી ડેવલપર્સ પાસેથી વૈશ્વિક એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ, ગીર સોમનાથના ઉના તાલુકાના વડોદરા (ઝાલા) ગામ, ભાવનગરના ઘોઘા નજીક આવેલું લખાણકા ગામ, કચ્છના માંડવી તાલુકાનું નાના લાયજા ગામ તથા સુરતના ચોર્યાસી તાલુકાનું દામકા ગામ ખાતે કાર્ગો પોર્ટ વિકસાવવામાં આવશે.આઈઆઈટી ખડગપુર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવિત બંદરોમાં અંદાજે રૂ. ૧૨,૩૨૦ કરોડનું રોકાણ આવવાની અને કુલ ૧૨૪ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઊભી થવાની ધારણા છે.એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ દસ્તાવેજ અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં બિડ મળ્યા બાદ રાજ્ય સરકાર ખાનગી ડેવલપર્સને શોર્ટલિસ્ટ કરવાનું આયોજન કરી રહી છે. પસંદગી પામેલા ડેવલપર્સ બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર માડેલ હેઠળ બંદરોના વિકાસ, સંચાલન અને જાળવણી માટે જવાબદાર રહેશે.અમરેલી સહિત રાજ્યમાં છ જગ્યાએ કાર્ગો પોર્ટ વિકસાવવા ઈચ્છુક કંપનીઓને જો કોઈ પ્રશ્નો હોય તો ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં મેરીટાઈમ બોર્ડને મોકલી શકે છે. પ્રી-સબમિશન મીટિંગ ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાશે. તેમજ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ છે.

 

 

વઢેરા ગામે ર૬૧ હેકટર જમીન ફાળવાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાફરાબાદના વઢેરા ગામે ૨૬૧ હેક્ટર જમીન ફાળવવામાં આવશે. અહીં માત્ર BOOT (Build, Own, Operate and Transfer) માડેલ હેઠળ ગ્રીનફિલ્ડ પોર્ટ ઝોન વિકસાવવામાં આવશે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા શીપબિલ્ડીંગ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરજ્જો આપવામાં આવતાં વિવિધ સહાયો પણ આપવામાં આવશે. જેમાં સ્ટેમ્પ ડ્‌યુટી રિઇમ્બર્સમેન્ટ, વ્યાજ સબ્સિડી, ડ્રેજિંગમાં ૧૦ વર્ષ સુધી આસિસ્ટન્સ, વીજળી અને પાણીના ટેરિફમાં રાહતનો સમાવેશ કરવામાં આવશે.

 

 

બંદર/ટર્મિનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેની લાયકાત
જાફરાબાદના વઢેરા ગામ સહિત છ જગ્યાએ બંદર/ટર્મિનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસાવવા માંગતી કંપનીઓની ન્યૂનતમ નેટવર્થ રૂ. ૫૦૦ કરોડ અને વિતેલા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન સરેરાશ વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું રૂ. ૧૦૦૦ કરોડ હોવું જરૂરી છે. સફળ બિડકર્તાઓને ગુજરાત સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહનો મળશે, જેમાં કન્સેસન પીરિયડ ૩૦ થી ૫૦ વર્ષ સુધીનો રહેશે. આ ઉપરાંત અરજદારે પાછલા ૧૦ વર્ષમાં ઓછામાં ઓછો એક પોર્ટ, ટર્મિનલ અથવા સમકક્ષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સફળતાપૂર્વક વિકસાવેલ અથવા સંચાલિત કરેલો હોવો જોઈએ.