મહુવા રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનના કારણે એસ.ટી. બસો જેસર રોડ પરથી પસાર થઈ રહી છે. પરિણામે, જેસર રોડ પર મુસાફરોની અવરજવર વધી ગઈ હોવા છતાં બેસવા માટે પીક-અપ સ્ટેન્ડ કે શેડ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાને ધ્યાને રાખી સ્થાનિક અગ્રણી મધુભાઈ નરશીભાઈ ગજેરાએ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાતો અને મહિલાઓને તડકા અને વરસાદમાં ખુલ્લામાં કે આસપાસની દુકાનોના ઓટલે બસની રાહ જોવી પડે છે. આ અસુવિધા દૂર કરવા માટે મેગા સિટીની તર્જ પર અહીં ફોલ્ડિંગ પીક-અપ સ્ટેન્ડ તથા બેસવા માટે બાંકડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે.ગજેરાએ એસ.ટી. નિગમ અને સંબંધિત વિભાગ સમક્ષ યોગ્ય કાર્યવાહી કરાવી આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે.










































