ધારી તાલુકાના સરસીયા ગામે મોટરસાયકલના વેચાણ અને ફાઇનાન્સના હપ્તા ભરવા છતાં પણ એન.ઓ.સી. ન આપી ગ્રાહક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સરસીયા ગામે રહેતા અને હીરાકમ કરતાં રમેશભાઇ હીરાભાઇ દાફડા (ઉ.વ.૪૧)એ વડીયા-કુંકાવાવના અમરાપુર ગામના પરશોતમભાઇ મગનભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ પોતાના કબ્જા હેઠળની ફાઇનાન્સમાં હપ્તેથી લીધેલી મોટરસાયકલ તેમને વેચાણથી આપી હતી. કરાર મુજબ, તેમણે મોટરસાયકલના તમામ હપ્તા સમયસર ભરી દીધા હતા. તેમ છતાં આરોપીએ કરારની શરતોનું પાલન કર્યું ન હતું. હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ મોટરસાયકલ તેમના નામે કરવા માટે જરૂરી એન.ઓ.સી. ઢાવી આપવાની તેમજ વેચાણ કરાર મુજબની શરતો પૂરી કરવાની આરોપીની જવાબદારી હતી. પરંતુ આરોપીએ એન.ઓ.સી. ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. સમયસર નાણાં ચૂકવી દીધા હોવા છતાં વાહન પોતાના નામે ન થતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.