બોલીવુડ અભિનેતા અને નિર્માતા સની દેઓલની ફિલ્મ “સૂર્યઃ ફ્રોમ એન્ટ ટુ આરંભ” રિલીઝ થાય તે પહેલાં જ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રમોશનલ સામગ્રી પર ડોક્ટરોને બદનામ કરવાનો અને તેમની સામે હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી ફિલ્મની તમામ પ્રમોશનલ સામગ્રી અને દ્રશ્યોના ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્રસારણ પર પ્રતિબંધ મૂક્્યો છે. દરમિયાન, છત્તીસગઢ સિવિલ સોસાયટીએ અભિનેતા અને નિર્માતા સની દેઓલને ૯૫૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી છે, જેમાં ફિલ્મમાં ડોક્ટરોનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. જસ્ટીસ સમીર જૈનની સિંગલ બેન્ચે સુનાવણી બાદ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આઇએમએએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ફિલ્મના ટીઝર અને જાહેરાતોમાં ખાનગી હોસ્પિટલ અને ડોકટરોને અનૈતિક અને ભ્રષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે. અરજી અનુસાર, ડોકટરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને દર્શાવવામાં આવેલા હિંસક દ્રશ્યોથી તબીબી વ્યવસાયની છબી ખરડાઈ રહી છે.
સિનેમેટોગ્રાફ એક્ટ, ૧૯૫૨ ની કલમ ૫નો ઉલ્લેખ કરીને, હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી ફિલ્મમાંથી કોઈપણ પ્રમોશનલ સામગ્રી અથવા દ્રશ્યો ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર રિલીઝ કરી શકાતા નથી. કોર્ટે કેન્દ્ર સરકાર અને ફિલ્મના નિર્માતાઓને પણ નોટિસ ફટકારી છે, જેમાં તેમને તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ આગામી સુનાવણી ૨૦ નવેમ્બરે કરશે.
રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય પહેલા, છત્તીસગઢ સિવિલ સોસાયટીએ ફિલ્મના અભિનેતા અને નિર્માતા સની દેઓલને કાનૂની નોટિસ પણ ફટકારી હતી. સોસાયટીના કન્વીનર ડા. કુલદીપ સોલંકી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મના પ્રમોશનલ મટિરિયલમાં ડોકટરો સામે હિંસા અને લિંચિંગના કૃત્યો ખૂબ જ સામાન્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. સોસાયટીનો તર્ક છે કે આવા દ્રશ્યો પ્રદર્શિત કરવાથી સમાજમાં નકારાત્મક સંદેશ જઈ શકે છે અને ડોકટરોની સલામતી જોખમાઈ શકે છે.
તેની નોટિસ દ્વારા, સિવિલ સોસાયટીએ માંગ કરી છે કે ફિલ્મમાંથી તમામ વાંધાજનક દ્રશ્યો અને જાહેરાતો તાત્કાલિક દૂર કરવામાં આવે. નિર્માતાઓને સાત દિવસની અંદર સમગ્ર તબીબી સમુદાયની જાહેરમાં માફી માંગવા કહેવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયગાળામાં માફી નહીં મળે, તો તેઓ ૯૫૦ કરોડના નુકસાનનો દાવો કરીને ફોજદારી માનહાનિ અને જાહેર હિતની અરજી દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરશે. સોસાયટીએ અગાઉ નેશનલ મેડિકલ કમિશન, સેન્સર બોર્ડ, ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાઓને નોટિસ મોકલી હતી, કારણ કે આ મુદ્દો ડોકટરોની પ્રતિષ્ઠા અને સલામતી સાથે સંબંધિત છે.
કોર્ટ કાર્યવાહી અને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્રના અભાવને કારણે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ મૂળ ૨૦ નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. જાકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્રના અભાવ અને કાનૂની વિવાદોને કારણે નિર્માતાઓએ તેની રિલીઝ મુલતવી રાખવાની ફરજ પડી છે. હાલમાં, નિર્માતાઓ દ્વારા નવી રિલીઝ તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.