બગસરાના રહેણાંક વિસ્તાર ગણાતી હુડકો કોલોની સ્થિત મફતપરામાં રાત્રિના સુમારે એકસાથે ૩ સિંહો ધસી આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વેલનાથ બાપુની જગ્યા પાસે ત્રણેય પશુરાજે ગાય પર ત્રાટકીને તેનું શિકાર કર્યું હતું અને સ્થળ પર જ મિજબાની માણી હતી. આ સમગ્ર ભયાનક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં તાજેતરમાં જ એક બાળક પર દીપડાના હુમલાની ઘટના બની હતી. ત્યારબાદ ટૂંકા જ ગાળામાં સિંહો દ્વારા બીજી વખત ગાયનું મારણ કરવામાં આવતાં સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ અને દહેશત વ્યાપી ગઈ છે. સાંજના સમયે પણ ઘરમાંથી બહાર નીકળવું જોખમી બન્યું છે. નિત્યક્રમ બની ગયેલા આ હિંસક વન્યજીવોના આક્રમણથી કંટાળેલી જનતાએ વન વિભાગ સામે ભારે રોષ ઠાલવ્યો છે. ગીરોના આ હિંસક પ્રાણીઓને માનવ વસવાટમાંથી ત્વરિત ખદેડીને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગણી બળવત્તર બની છે.






































