આજના સમયમાં મોટાભાગના યુવાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સારી નોકરી અને ઊંચા પગારની પાછળ દોડતા જોવા મળે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે પોતાના મૂળ અને માટી સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની છે આણંદ જિલ્લાના બોરીયાવી તાલુકાના બોરીયાવી ગામના દેવેશ રમેશભાઈ પટેલની.
દેવેશભાઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને દેશ-વિદેશમાં સારી નોકરીની ઓફરો પણ મળી હતી, અને અમેરિકા જવાના વિઝા પણ મંજૂર થયા હતા. છતાં, તેમણે આ બધું છોડી પોતાનું જીવન ખેતીને અર્પણ કરવાનો નિર્ણય લીધો. કારણ કે ખેતી તેમના લોહીમાં હતી-બાળપણથી જ પિતા સાથે ખેતરમાં કામ કરવાનો અનુભવ અને માટી પ્રત્યેનો પ્રેમ તેમને ખેતી તરફ ખેંચતો રહ્યો.
ખેતી શરૂ કરતા પહેલા દેવેશભાઈએ આધુનિક રીતે ખેતી કેવી રીતે કરી શકાય તેની ઊંડાણપૂર્વક માહિતી મેળવી. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સફળ ખેડૂતો અને વિવિધ સંશોધનો દ્વારા તેમણે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પાકોના આયોજનથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે સમજ્યું. તેમના વિચારમાં એક મહત્વનો મુદ્દો સ્પષ્ટ હતો-“ખેતીમાં પૈસા ઉત્પાદનથી નહીં, પરંતુ બજાર વ્યવસ્થાથી મળે છે.”
આ વિચારને સાકાર કરવા માટે દેવેશભાઈએ ૨૦૨૧માં ગુજરાત રાજ્યની પ્રથમ પ્રાકૃતિક ર્હ્લઁં ની સ્થાપના કરી, જેનું નામ “ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્‌યુસર કો-ઓપરેટિવ સોસાયટી” રાખ્યું. આ સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા અને સર્ટિફિકેટ ધરાવતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને યોગ્ય ભાવ મળે તેવું મંચ આપવાનું હતું. આજે આ સંસ્થા સાથે લગભગ ૪૫૦ જેટલા ખેડૂતો જોડાયેલા છે. સંસ્થા ખેડૂતો પાસેથી અનાજ, કઠોળ, તેલીબીયા, મસાલા અને બાગાયતી પાકો ખરીદે છે, ત્યારબાદ તેનું ગ્રેડિંગ, ર્સોટિંગ અને પેકિંગ કરીને બજારમાં વેચાણ કરે છે. આ પ્રક્રિયા દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળે છે, અને સંસ્થાએ પણ ખૂબ સારી પ્રતિષ્ઠા મેળવી છે. ખાસ વાત એ છે કે આ સંસ્થા શરૂઆતથી જ નફાકારક સાબિત થઈ છે.
ખાલી સંસ્થા જ નહીં, પરંતુ દેવેશભાઈ પોતે પણ એક સફળ પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ હળદર, આદુ અને બટાટાની ખેતી કરે છે અને તેમાંથી વેલ્યુ એડિશન કરીને વધુ આવક પ્રાપ્ત કરે છે. તેમની ખેતીમાં આધુનિક પદ્ધતિઓ, આયોજન અને બજાર આધારિત વિચારસરણી સ્પષ્ટ જોવા મળે છે.
દેવેશભાઈનો સંદેશ યુવાનો માટે ખૂબ સ્પષ્ટ અને પ્રેરણાદાયક છે. તેઓ કહે છે કે “જો ખેડૂતનો દીકરો ખેતી છોડશે, તો ભવિષ્યમાં ધરતી પણ તેને સાથ નહીં આપે.” તેઓ માને છે કે બાપદાદાની જમીન વેચવા માટે નથી, પરંતુ આધુનિક ખેતી કરીને તેને વધુ ઉપજાઉ અને લાભદાયક બનાવવી જોઈએ. આજે જરૂર છે કે ભણેલા અને જાગૃત યુવાનો ખેતી સાથે જોડાય. આધુનિક ટેક્નોલોજી, યાંત્રિકીકરણ અને બજારની સમજણ દ્વારા ખેતીને એક નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. દેવેશભાઈનું ઉદાહરણ એ સાબિત કરે છે કે જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો ખેતી અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં પણ મોટા પ્રમાણમાં સફળતા મેળવી શકાય છે. ખેતી માત્ર ઉત્પાદન પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ ખેડૂત એક સફળ વેપારી બને એજ આજના સમયની માંગ છે. દેવેશ પટેલ જેવા યુવાનો આ દિશામાં પ્રેરણા બની રહ્યા છે. દેવેશભાઇનો સંપર્ક નંબર.૯૮૨૪૫૦૬૮૭૮ છે.

:: તિખારો::
માણસના ચહેરા વાંચવા સાવ સહેલા છે.પણ મન ઓળખવા ખુબ અઘરા છે.કારણ કે દેખાય એ હંમેશા સત્ય નથી હોતું, જે સત્ય છે તે દેખાતુ નથી.