અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી ખોડીયાર માતાજી તથા સુરાપુરા બેચરબાપા અને જસમતબાપાના નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. ગત ૨૯ એપ્રિલથી ૧લી મે સુધી ચાલેલા આ મહોત્સવમાં ૧૦૦ જેટલા નવચંડી હોમાત્મક યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળોના સંતો-મહંતો તેમજ પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા,જે.વી કાકડીયા,અતુલભાઈ કાનાણી સહિતના અનેક રાજકીય મહાનુભાવોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર આયોજન શેઠ મનુભાઈ ગોબરભાઈ કાકડીયાના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યું હતું, જેમાં રક્તદાન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પ જેવા સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા હતા. સ્વ. ગોબરભાઈ ખીમાભાઈ કાકડીયા પરિવાર દ્વારા ભોજન સમારંભનું સુંદર આયોજન કરાયું હતું. ભવ્ય શોભાયાત્રા અને ભુવાઓના આશીર્વચન સાથે કાકડીયા પરિવારના હજારો સભ્યોએ આ દિવ્ય પ્રસંગનો લાભ લીધો હતો. આ મહોત્સવને સફળ બનાવવા માટે કાકડીયા પરિવારની યુવા ટીમે છેલ્લા બે મહિનાથી ભારે જહેમત ઉઠાવી રહી હતી.






































