પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવને વધાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. અમરેલી ખાતે એકત્રિત થયેલા કાર્યકરોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું. આ પ્રસંગે એક વિશેષ આકર્ષણ તરીકે શીતલ આઈસ્ક્રીમ તરફથી પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ‘ઝાલમૂરી’ પીરસવામાં આવી હતી, જેના દ્વારા કાર્યકરોએ બંગાળના વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, વિજય ચોટલીયા અને ચેતન ધાનાણી સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિજયના નારા અને હર્ષોલ્લાસ વચ્ચે મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું હતું કે મોદી અને શાહના
નેતૃત્વમાં મળેલી આ જીતથી કાર્યકરોમાં નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે. આ વિજય સરઘસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સંઘ અને ભાજપના પાયાના કાર્યકરોએ સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું.








































