રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક રક્ષણ માટે અમલી ‘તાર ફેન્સિંગ સહાય યોજના’ હેઠળ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે ખેડૂતોએ તારીખ ૨૭.૦૩.૨૦૨૬ થી ૨૬.૦૪.૨૦૨૬ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરી છે, તેમણે પોતાના સાધનિક પુરાવાઓ રજૂ કરવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી મુજબ, અરજદારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ ૧૦ દિવસની મર્યાદામાં જરૂરી કાગળો જમા કરાવવાના હોય છે. ખેડૂતોને જિલ્લા કચેરી સુધી લાંબા ન થવું પડે અને અગવડતા ન પડે તે માટે સરકારે આ પ્રક્રિયા તાલુકા કક્ષાએ જ પૂર્ણ કરવાની છૂટ આપી છે. તમામ અરજદારોએ ૦૭ મે, ૨૦૨૬ સુધીમાં પોતાના દસ્તાવેજો સંબંધિત તાલુકાની ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગ્રામસેવક પાસે ચકાસણી કરાવીને જમા કરાવવાના રહેશે. જરૂરી દસ્તાવેજોની યાદીઃ સહી કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ૭/૧૨, ૮-અ અથવા વન અધિકાર પત્રની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિ દર્શાવતું બાંહેધરી પત્રક, બેંક પાસબુકની નકલ (IFSC કોડ સ્પષ્ટ હોય તેવી), આધાર કાર્ડની નકલ,DLR કચેરી દ્વારા પ્રમાણિત ડીમાર્કેશન નકશો (ફરજિયાત).