એક હતું સુંદર મજાનું વન. ત્યાં આંબાનું મોટું ઝાડ હતું. આ આંબા પર આપણી વહાલી કોયલરાણી રહે. કોયલનો રંગ તો કાળો-કાળો, પણ એનો અવાજ કેવો મધુર અને મીઠો! આખો દિવસ આંબાની ડાળે બેસીને તે ગાયા કરે:‘કુહૂપ કુહૂપ કુહૂપ’ વનનાં બધાં જ પશુ-પક્ષીઓ કોયલનું ગીત સાંભળીને નાચી ઊઠે!
એક સવારે સૂરજદાદા આકાશમાં આવ્યા, પણ કોયલરાણી આજે ચૂપચાપ હતાં! એમણે ગાવા માટે મોઢું ખોલ્યું, પણ અવાજ નીકળ્યો જ નહીં! કોયલરાણીનો ‘કુહૂ’ અવાજ ક્યાંક ખોવાઈ ગયો હતો. બધાં પશુ-પક્ષી વિચારમાં પડ્યાં, ‘આ કોયલરાણી કેમ આજે ચૂપ છે! રોજ તો સવાર પડે ને કુહૂપ કુહૂપ ગાવા માંડે.’
સૌથી પહેલાં ચીં-ચીં કરતી ચકલીબેન આવી. ‘કેમ કોયલબેન, આજે તમારે કોઈ ગીત નથી ગાવું?’ ચકલીએ પૂછ્યું. પણ કોયલરાણીનો અવાજ તો ખોવાયો હતો. એણે ડોક હલાવીને ‘ના’ પાડી. ચકલી કહે, “લાવો, હું તમારો અવાજ શોધી આપું!” ચકલીબેન તો ઊડીને પહોંચ્યા ગુલાબના છોડ પાસે. “ગુલાબભાઈ, ગુલાબભાઈ! તમે કોયલનો કુહૂ અવાજ જોયો છે?’’ ગુલાબ તો લાલચોળ થઈને હસવા લાગ્યું, ‘‘અરે ચકલીબેન, અવાજ તે કંઈ દેખાતો હશે? એ તો સાંભળવાનો હોય!’ ચકલી નિરાશ થઈને ત્યાંથી ઊડી ગઈ.
ત્યાં તો ધમ-ધમ કરતા હાથીભાઈ આવ્યા. હાથીભાઈ કહે, ‘‘ગભરાશો નહીં કોયલબેન! હું મારી લાંબી સૂંઢથી તમારો અવાજ ખેંચી લઈ આવીશ.” હાથીભાઈએ તો જોરથી સૂંઢ હવામાં ફેરવીને પવન ફૂંક્યો, “સૂં… સૂં…!”પણ કોયલનો અવાજ પાછો ના આવ્યો. ઉલટાનું, ઝાડ પરથી એક કાચી કેરી કોયલના માથા પર ટપ્પ દઈને પડી! હવે કોયલરાણી ભારે ચિંતામાં હતાં : ‘મારો અવાજ ક્યાં ગયો હશે! શું હું હવે બોલી નહિ શકું! શું હું હવે ગાઈ નહિ શકું!’
ત્યાં જ હૂપાહૂપ કરતા વાંદરાભાઈ કૂદતા-કૂદતા આવ્યા. વાંદરાભાઈના હાથમાં એક લાલ મરચું હતું. “કોયલબેન, તમે આ મરચું ખાઈ જાઓ! તમારો અવાજ ફટાક કરતો બહાર આવી જશે!” વાંદરાભાઈએ મજાક કરી. કોયલને તો પોતાનો અવાજ પાછો લાવવો હતો. એણે વાંદરાની વાત માની તરત મરચું ખાઈ લીધું. પણ બિચારી કોયલે જેવું મરચું ચાખ્યું કે તરત જ એનું મોઢું બળવા લાગ્યું! મોઢામાં લાય-લાય ઊડી! – ‘સી-સી-સી… હો-હો-હોપ’ કોયલ તો કૂદવા લાગી. વનનાં બધાં પક્ષીઓ પણ હવે ચિંતામાં હતાં. બધાંએ ભેગા મળીને ઘણા પ્રયત્નો કર્યા પણ હજુય કોયલનો ‘કુહૂ’ અવાજ પાછો ન આવ્યો તે ન જ આવ્યો.
આ બધો તમાશો જોઈને આંબાભાઈ ખડખડાટ હસી પડ્યા. આંબાભાઈ કહે, “અરે પક્ષીઓ! કોયલબેનનો અવાજ ક્યાંય ખોવાયો નથી. આ તો ગઈકાલે એમણે ઠંડુ-ઠંડુ પાણી બહુ પીધું હતું ને, એટલે એમનું ગળું પકડાઈ ગયું છે! એમનું ગળું બેસી ગયું છે. અને તેથી જ કોયલરાણી બોલી શકતાં નથી!” એમ કહેતાં આંબાએ કોયલને મીઠો-મીઠો ગરમા-ગરમ કેરીનો રસ પીવડાવ્યો. કોયલને તો રસ પીવાની મજા પડી ગઈ. જેવો ગરમાગરમ રસ પીધો કે તરત જ કોયલના ગળામાંથી અવાજ ફૂટ્યો: “કુહૂ… કુહૂ… કુહૂ…!”
આખું વન ગાજી ઊઠ્યું! ચકલી નાચી, હાથીભાઈએ સૂંઢ હલાવી અને વાંદરાભાઈ તો ઝાડ પર ઊંધા લટકી ગયા. ફરીથી આખુંય વન કોયલરાણીના મધુર અવાજથી ગુંજવા લાગ્યું.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭








































