કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને જનાદેશની ચોરી ગણાવી છે. તેમણે કહ્યું કે ભાજપનું આ પગલું ભારતીય લોકશાહીનો નાશ કરવાના તેના મિશનનો એક મોટો ભાગ છે. તેમણે બંગાળમાં ટીએમસીની હાર પર ખુશ થવા બદલ પોતાના જ પક્ષના કેટલાક નેતાઓની પણ આકરી ટીકા કરી.
રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “કેટલાક… કોંગ્રેસ અને અન્ય પક્ષો તૃણમૂલ કોંગ્રેસની હારની ઉજવણી કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કે આસામ અને બંગાળમાં જનાદેશની ચોરી ભારતીય લોકશાહીનો નાશ કરવાના ભાજપના મિશનમાં એક મોટું પગલું છે.”
ભાજપ પશ્ચિમ બંગાળમાં બે તૃતીયાંશ બહુમતી સાથે આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. આ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનનો અંત દર્શાવે છે. અગાઉ, રાહુલ ગાંધીએ પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીના મત ચોરીના આરોપોને ટેકો આપ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું, “આસામ અને બંગાળની ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ ચૂંટણી પંચના સમર્થનથી જનાદેશ ચોરી રહ્યો છે. અમે મમતાજી સાથે સંમત છીએ. બંગાળમાં ૧૦૦ થી વધુ બેઠકોની ચોરી થઈ છે. અમે મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટÙ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ પહેલા જાયું છે.”
૨૯૪ સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બહુમતીનો આંકડો ૧૯૬ છે. ચૂંટણી પંચે સોમવારે ૨૯૩ બેઠકો માટે પરિણામો જાહેર કર્યા. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન ૨૧ મેના રોજ થશે, જેના પરિણામો ૨૪ મેના રોજ જાહેર થશે. જાહેર થયેલા પરિણામોમાં, ભાજપે ૨૦૬ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર ૮૧ બેઠકો પર સમેટાઈ ગઈ.
તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની ભવાનીપુર બેઠક ભાજપના સુવેન્દુ અધિકારી સામે ૧૫,૦૦૦ થી વધુ મતોથી હારી ગયા. આ ચૂંટણીમાં, કોંગ્રેસને ફક્ત બે બેઠકો, સીપીઆઈ(એમ) ને એક, જ્યારે એઆઈએસએફને એક અને આમ જનતા ઉન્નય પાર્ટીને બે બેઠકો મળી.
તૃણમૂલ કોંગ્રેસનું પ્રદર્શન ઘણા જિલ્લાઓમાં અત્યંત નબળું રહ્યું. કૂચ બિહાર, પૂર્વ મેદિનીપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ સહિત દસ જિલ્લાઓમાં પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહીં. વધુમાં, તૃણમૂલ કોંગ્રેસને આદિવાસી અને મટુઆ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં હારનો સામનો કરવો પડ્યો.
ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધને પણ આસામમાં નિર્ણાયક વિજય મેળવ્યો. ભાજપે ત્યાં પોતાની સ્થિતિ મજબૂત કરી, વિપક્ષને હાંસિયામાં ધકેલી દીધો. ભાજપે આસામમાં ૮૨ બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસ માત્ર ૧૯ બેઠકો જ જીતી શકી.









































