સાવરકુંડલામાં એક ઈકો ગાડીના માલિક અને તેમના પૂર્વ ડ્રાઈવર વચ્ચે ભાડાના રૂપિયા મામલે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીએ માલિકના ઘરે જઈ મિલકતને નુકસાન પહોંચાડી શારીરિક હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે કમળાબેન વાલજીભાઇ હેલૈયા (ઉ.વ. ૫૬)એ જીતુભાઇ નાનજીભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી અગાઉ તેમની ઈકો ગાડી ડ્રાઈવર તરીકે ચલાવતો હતો. ગાડી ભાડે લઈ ગયા બાદ તે ભાડાના પૂરા રૂપિયા માલિકને આપતો નહોતો. જ્યારે માલિકે આ બાબતે પૂછપરછ કરી, ત્યારે આરોપીએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું હતું કે, “તારી પાસે નોકરી છે અને ઘણા રૂપિયા આવે છે, તો તારે આ રૂપિયાનું શું કામ છે?” આ બોલાચાલી બાદ આરોપીએ તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તેણે ઘરના કબાટ અને ટીવીની તોડફોડ કરી આશરે રૂ. ૫,૫૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું.તોડફોડ કરવા ઉપરાંત આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને બેફામ ગાળો ભાંડી હતી. જતા-જતા આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































