માનવ અધિકાર વકીલના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના જાફના નજીક ચેમ્માનીમાં એક કથિત સામૂહિક કબરમાંથી મળી આવેલા હાડપિંજરની સંખ્યા ખોદકામના ત્રીજા તબક્કામાં વધીને ૨૪૯ થઈ ગઈ છે. ગયા અઠવાડિયે, શ્રીલંકાની એક કોર્ટે ચેમ્માની સામૂહિક કબરમાં ખોદકામ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, જે સાત મહિના પહેલા બંધ કરવામાં આવ્યું હતું.
૧૯૯૦ના દાયકામાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ સંઘર્ષ દરમિયાન આ કબર પ્રસિદ્ધિ પામી હતી. ભંડોળના અભાવે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખોદકામ બંધ કરવામાં આવ્યું હતું. ખોદકામનો બીજા તબક્કો ૪૫ દિવસ ચાલ્યો હતો અને ૨૪૦ હાડપિંજર મળી આવ્યા હતા. માનવાધિકાર વકીલ રાણીતા જ્ઞાનરાજાના જણાવ્યા અનુસાર, ત્રીજા તબક્કામાં મંગળવાર સુધીમાં નવ વધુ હાડપિંજર મળી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ખોદકામ દરમિયાન કેટલાક સિક્કા અને દાગીનાનો ટુકડો પણ મળી આવ્યો હતો.”
અગાઉ, ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ, ચેમ્માનીમાં નિયમિત વિકાસ કાર્ય દરમિયાન કેટલાક હાડપિંજર મળી આવ્યા હતા. એક અઠવાડિયા પછી, કોર્ટે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. આ પછી, ન્યાયિક દેખરેખ હેઠળ ૧૫ મેના રોજ ખોદકામનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો.૧૯૯૮માં ૧૫ હાડપિંજર મળી આવ્યા હતા. ૧૯૯૮માં એલટીટીઇ અને સરકારી દળો વચ્ચેના સંઘર્ષ દરમિયાન એક કથિત સામૂહિક કબરના કારણે ચેમ્માની ચર્ચામાં આવ્યા હતા. તે સમયે ત્યાં લગભગ ૧૫ હાડપિંજર મળી આવ્યા હતા.