સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર મળી રહ્યા છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા એક ૧૭ વર્ષીય સગીરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટના અંગે આસપાસના લોકોને જાણ થતાં સ્થાનિકો પણ દોડી આવ્યા આવ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી મકરપુરા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ તેજ કરી દીધી છે.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં મળતી માહિતી મુજબ, મૃતક યુવક તાજેતરમાં જ ધોરણ ૧૧ની પરીક્ષા પાસ કરીને ધોરણ ૧૨માં આવ્યો હતો. અભ્યાસમાં તેજસ્વી ભવિષ્ય ધરાવતા આશાસ્પદ હોવા છતાં દીકરાના આ કદમથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે, જેમની પાસે કહેવા જેવા શબ્દો પણ નથી. ઘટના સમયે યુવક ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં એકલો હતો, જ્યાં તેણે અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું.
જ્યારે કાકા ઉપરના રૂમમાં ગયો ત્યારે આ કરુણ દ્રશ્ય જાઈને હેબતાઈ ગયા હતા. પોતાના વ્હાલસોયા ભત્રીજાને છત પર લટકતો જાઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કાકા અને પરિવારના અન્ય સભ્યોના હૈયાફાટ રૂદનથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા પહેલા જ યુવકનું મોત થઈ ચુક્યું હતું. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, વડોદરામાં આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, યુવકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.