જિલ્લા પંચાયતની ચૂંટણીના તમામ પરિણામો આવી ગયા છે. ત્યાર બાદ હવે ચૂંટાયેલા સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના નાણાપ્રધાન એવા કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવાની પ્રક્રિયા બહુમતી ધરાવતા ભાજપે શરૂ કરી છે. આગામી રવિવારે જુનાગઢ ખાતે આયોજિત સેન્સ પ્રક્રિયામાં પ્રથમ ટર્મ એટલે કે અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને લઈને પાર્ટી નિર્ણય કરશે. ત્યાર બાદ જિલ્લા પંચાયતના સચિવ દ્વારા પ્રથમ સાધારણ સભા બોલાવવામાં આવશે, જેમાં ભાજપે પસંદ કરેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વિધિવત રીતે વરણી થશે.
જિલ્લા પંચાયતની મતગણતરીઓ પૂર્ણ થયા બાદ ૩૦ સભ્યોની સંખ્યાબળ ધરાવતી જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના ૨૩ અને આમ આદમી પાર્ટીના ૦૭ સભ્યો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. ફરી એક વખત જિલ્લા પંચાયતના ભાજપને બહુમતી મળી છે, ત્યારે આ વખતની પ્રથમ ટર્મ માટે જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના સભ્ય બનેલા મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. આગામી રવિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના અગ્રણીઓ દ્વારા ચૂંટાયેલા તમામ ૨૩ સભ્યોની સાથે જિલ્લાના આગેવાનોને પ્રમુખ પદને લઈને સાંભળવાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો પર અંતિમ નિર્ણય થશે. જેને પ્રદેશ સંકલન સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવશે, ત્યાર બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખની જાહેરાત થશે.
આ વખતની પ્રથમ ટર્મ એટલે કે અઢી વર્ષ માટે મહિલા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતેલી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જેમાં મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી કુકસવાડા બેઠક પરથી ચૂંટણી જીતેલા અસ્મિતાબેન ચૌહાણ, અમરાપુર ગીરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતેલા નિમુબેન ચૌહાણ, વિસાવદરની સૌથી ચર્ચાસ્પદ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી સરસઈ બેઠક પરથી લીનાબેન કાવાણી મેંદરડાની બેઠક પરથી અસ્મિતાબેન ઠુંમર અને મેખડી બેઠક પરથી ચૂંટણી જીતેલા વનિતાબેન વાસણ મુખ્ય દાવેદારો માનવામાં આવી રહ્યા છે. જા પ્રદેશ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ વિસાવદર વિધાનસભાને ધ્યાને રાખીને પ્રમુખનું પદ નક્કી કરે તો લીનાબેન કાવાણી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ બની શકે છે. તેની પાછળ ભાજપનો તર્ક એ પણ હોઈ શકે છે કે, વિસાવદર વિધાનસભામાં જે રીતે આમ આદમી પાર્ટી દરેક ચૂંટણીમાં સૌથી મજબૂત બનીને આગળ આવી છે, તેની સામે રાજકીય પ્રતિસ્પર્ધા ઉભી થાય અને ફરી એક વખત વિસાવદરમાં ભાજપનો જનાધાર વધે તેઓ નિર્ણય થાય તો લીલાબેન કાવાણીને પંચાયતના પ્રમુખ ભાજપ બનાવી શકે છે. આ સિવાય જા અન્ય જ્ઞાતિની મહિલાઓ પર પ્રદેશ ભાજપ કોઈ નિર્ણય કરે અને ખાસ કરીને ઓબીસી ફેક્ટરને ધ્યાને રાખે તો કુકસવાડાના અસ્મિતાબેન ચૌહાણ, અમરાપુરના નિમુબેન ચૌહાણ અને મેખડીના વનિતાબેન વાસણ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે, જા ભાજપનું પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ લેઉવા અને કડવા પાટીદાર વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાનું મન બનાવે તો મેંદરડા બેઠક પરથી ચૂંટાયેલા અસ્મિતાબેન ઠુંમર અને મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી પણ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે.
સામાન્ય રીતે કોઈ પણ જિલ્લા પંચાયતની નવી પેનલ ચૂંટણી જીતીને પંચાયતમાં આવતી હોય છે, ત્યારે પ્રથમ જનરલ બોર્ડ જિલ્લા પંચાયતના સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી બોલાવતા હોય છે. જેમાં એક માત્ર એજન્ડા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવા માટેની હોય છે. જેથી આવતા અઠવાડિયે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતનું પહેલું જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. જેમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે સભ્યોને પ્રમુખ પદ માટે નોમિનેશન આપવામાં આવશે, તે હોદ્દેદારો વિધિવત રીતે પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે જનરલ બોર્ડમાં ચૂંટાશે. ત્યાર બાદ તેઓ વિધિવત રીતે જિલ્લા પંચાયતની સત્તાના સુત્રો સંભાળશે.










































