સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે અટલ ધારા કાર્યાલય ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નગરપાલિકાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા માર્ગોના નિર્માણ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા અભિયાન જેવા પાયાના પ્રકલ્પોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ધારાસભ્યએ દરેક પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ જાણીને વિલંબિત કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસના કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.